રાજ્યમાં મેઘપ્રલયઃ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની ચેતવણી

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રાજ્યના ડેમો ઓવરફ્લો થયા છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જાનમાલનું ભારે નુકસાન થયું છે, ત્યારે લોકોની મુસીબતોમાં ઓર વધારો થાય એવી વકી છે. હવામાન વિભાગે હજી આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અને 15 સપ્ટેમ્બરે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્ય પર વધુ એક સિસ્ટમ આવશે, જેનાથી સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

રાજ્યમાં ગઈ કાલે રાજકોટ, જૂનાગઢ, જામનગરને ધમરોળ્યા બાદ મેઘરાજાએ આજે પોરો ખાધો છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી કુલ 7565 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં 27 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ છે. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. બીજી બાજુ, જામનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં 127 ગામડાઓમાં અંધારપટ છવાયો છે અને આ વિસ્તારોમાં અંદાજે 200થી 250 પશુઓનાં મોત થયાં છે.

પોરબંદર ઘેડ પંથકના ગરેજ, બળેજ,કડછ, અમીપુર સહિતનાં 22 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયાં હતાં.

વિસાવદર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસયા હતા, જેમાં સોમવાર સુધીમાં ૧૭ ઇંચ જેટલા વરસાદથી શહેરને ધમરોળ્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપડી, મહિયારી, કાબરા તેમ જ ધાફડ નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં તેમ જ ધાફડ ડેમના બે દરવાજા ૧૨ એમ.એમ. ખોલવામાં આવ્યા હતા.