ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનું રાજીનામું

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાએ છ વર્ષ સુધી સાથે રહ્યા બાદ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. ગુપ્તા કંપનીમાં સપ્લાય વિભાગના વડા હતા. ઝોમેટો હાલમાં જ શેરબજારમાં લિસ્ટેડ થઈ છે.

ગૌરવ ગુપ્તાએ કંપનીનાં દરેક સભ્યને ઈમેલ કરીને પોતાના રાજીનામા વિશેની જાણ કરી છે. એમણે જણાવ્યું છે કે, ‘મારા જીવનમાં હું એક નવો વળાંક લઈ રહ્યો છું અને એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યો છું. હું મારા આ પ્રકરણ – ઝોમેટોમાં છેલ્લા છ વર્ષ રહ્યો – એમાંથી હું ઘણું શીખ્યો છું. ઝોમેટોને આગળ વધારવા માટે આપણી પાસે હવે ઉત્તમ ટીમ ઉપલબ્ધ છે ત્યારે મારી સફરમાં વૈકલ્પિક માર્ગ લેવાનો મારા માટે સમય આવી ગયો છે. આ લખતી વખતે હું ઘણો જ ભાવુક થઈ ગયો છું.’ ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે ટ્વિટરના માધ્યમથી ગુપ્તાનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આપણી પાસે ઉત્તમ ટીમ અને નેતૃત્ત્વ છે, જે કંપનીની સફરને આગળ લઈ જશે.