ઉત્તર ભારતના બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના અમુક ભાગમાં ઉજવાતા છઠ પૂજાના પર્વને અમદાવાદની સાબરમતી નદીના નારાયણ ઘાટ રિવરફ્રન્ટ, ઈંદિરા બ્રિજ, ગોદરેજ ગાર્ડન સિટીમાં કુંડ તૈયાર કરી પણ ઉજવવામાં આવ્યો હતો.

પૂર્વે અને પશ્ચિમ અમદાવાદમાં ઉત્તર ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે. અમદાવાદ શહેરના ઇંદિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટમાં વિશાળ મંચ પર કાર્યક્રમ સાથે છઠ પૂજા સૂર્યની આરાધના કરવામાં આવી.


સાબરમતી નદીના પટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે મહાનગરપાલિકા ટીમોએ સ્પેશિયલ મશીનો દ્વારા નદીના કિનારા અને પાણીને સ્વચ્છ કર્યા.


યુથ ક્લબના નવીન પટેલે ચિત્રલેખા.કોમને કહ્યું કે, “છઠ પૂજા માટે ગોદરેજ ગાર્ડન સિટીમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ જગ્યામાં સૂર્ય આરાધના માટે કુંડ બનાવવામાં આવ્યા હતા. સોમવારની સાંજે તેમજ મંગળવારની સવારે સૂર્ય આરાધના થશે.”


આ વર્ષે છઠ પૂજા માટે જળાશયોના માર્ગો પર ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક શ્રધ્ધાળુઓએ નદીમાં સ્વચ્છતા જળવાય એ માટે જાતે નાના મોટા કુંડ બનાવી સૂર્ય આરાધના કરી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)


