રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુના સમયમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં રૂપાણી સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રિ કરફ્યુનો સમય રાત્રે આઠ કલાકને બદલે નવ કલાકે શરૂ થશે અને સવારે છ કલાક પૂર્ણ થશે. નવા નિયમો આવતી કાલથી અમલી બનશે. રાજ્ય સરકારે આ પહેલાં 36 શહેરમાં તમામ વેપાર-ધંધા અને દુકાનો સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનને લઈને સહાયથી માંડીને રાત્રિ કરફ્યુમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન  રૂપાણીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે એપ્રિલમાં આપણે ઘણો સંઘર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે.

રાજ્યનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ રસીકરણ થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. ત્યારે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી ગામડાઓમાં પણ સ્થિતિમાં સુધારો આવ્યો છે. ગામડાઓમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, એમ તેમણે કહ્યું હતું.