અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વાતાવરણમાં પલટાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં અનેક સ્થળોએ છૂટોછવાયા વરસાદની શક્યતા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત્ છે. આ માવઠાની અસરે રાજ્યમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફૂંકાતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં મિશ્ર સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ ઠંડુ રહેતું નલિયાનું તાપમાન પણ ઘટી ગયું છે. નલિયાનો પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. શિયાળાની ઠંડી અંગે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી પડશે. રાજ્યમાં હાલ ધીમે-ધીમે લઘુતમ તાપમાન નીચું આવતું જાય છે, તેમ-તેમ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે નવેમ્બરમાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે.