વડોદરા: પાવાગઢનાં ડુંગરો નજીક સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરમાં ચાંપાનેર ફેસ્ટિવલ યોજાશે. જે આ નગરના મલ્ટિપલ આઇકોનિક હેરિટેજ સ્ટ્રક્ચર અને પૌરાણિક વાર્તાઓને રજૂ કરતા તેના ઈતિહાસને પુનઃ જીવિત કરશે. દેશના અદભુત વારસાને જાળવતાં તેના પારંપારિક અને ઐતિહાસિક સ્મારકો વિશે થિમેટિક મ્યુઝિક અને ઇમેજ ટ્રાન્સફોર્મિંગ શેડો લાઇટ શો દ્વારા જાગૃતિ અને માહિતી આપવાના મિશનને આગળ વધારતા ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર અને આર્ટિસ્ટિક ડિરેક્ટર અને ભરતનાટ્યમનાં જાણીતાં કલાકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ક્રાફ્ટ ઓફ આર્ટ (Crraft Of Art) 9 ડિસેમ્બરે- શનિવારે ચાંપાનેર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 14 વર્ષથી ક્રાફ્ટ ઓફ આર્ટ દેશના અમૂલ્ય અને સમૃદ્ધ વારસા સાથે લોકોને જોડવાનું મિશન ચલાવી રહ્યું છે. વાઇબ્રન્ટ મ્યુઝિકલ સેલિબ્રેશન, કલા, હસ્તકલા, કલાકારો, કારીગરો, સ્થાપત્ય, ઇતિહાસ, વારસો અને પરંપરાની વાર્તાઓ દ્વારા સ્મારકો સુધી લોકોને પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.ચાંપાનેર ફેસ્ટિવલ એક લીપ ફોર્વર્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને ફોટો પ્રદર્શન તથા મ્યુઝિયમ ડિસ્પ્લે સહિત વ્યાપક કેનવાસને આવરી લેતા સંગીતની મદદથી લોકોને આકર્ષે છે. જેમાં સ્થાનિક હસ્તકલા, સ્વાદિષ્ટ ભોજન, લોક સંગીત; વિવિધ સ્થળોએ સૂફી, શાસ્ત્રીય અને વિશ્વની સંગીતકળાઓને આવરી લેતા સંગીત સમારોહની વિવિધ શ્રેણી ઉપરાંત નૃત્ય, જોવાલાયક સ્થળો અને વૉકિંગ ટૂરને પણ આવરી લેવામાં આવે છે.
ચાંપાનેર ફેસ્ટિવલમાં કલાકારોની અદભૂત શ્રેણીમાં તબલા ઉસ્તાદ ઉસ્તાદ ફઝલ કુરેશી પર્ફોર્મન્સ આપશે.સિતારવાદક નિલાદ્રિ કુમાર, સેક્સોફોનિસ્ટ અને સંગીતકાર જ્યોર્જ બ્રૂક્સ, વર્સેટાઇલ કીબોર્ડ પ્લેયર સંગીત હલ્દીપુર અને બાસ પ્લેયર શેલ્ડન ડિસિલ્વા પણ પર્ફોર્મન્સ આપશે.
ડ્રમર અને સંગીતકાર દર્શન દોશી તથા લોક અને સૂફી ગાયક ઓસ્માન મીર પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા ચાંપાનેર ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. સાંજની બીજી વિશેષતા દાદી પુદુમજી અને ધી ઈશારા પપેટ થિયેટર દ્વારા યોજાનારી જાયન્ટ પપેટ પરેડ હશે. જાણીતા અભિનેતા માનવ ગોહિલ કાર્યક્રમનું સંચાલન કરશે. છોટા ઉદેપુરના પરંપરાગત પિથોરા ચિત્રકાર કે જેઓ આ કળાને દેશની બહાર સુધી વિસ્તરિત કરી છે એવા પરેશ રાઠવા પણ ચાંપાનેર ફેસ્ટિવલનો ભાગ બનશે.
સ્પેશિયલ ફેસ્ટિવલમાં એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ ભદ્રા ગેટ, સિટાડેલ, સેહેર કી મસ્જિદ અને જામી મસ્જિદ જેવી ઘણી સાઇટ્સ પર કાર્યક્રમો યોજાશે. સંગીત અને લાઈટ ઉપરાંત, ભવ્ય ભૂતકાળને અકબંધ જાળવી રાખનારા સ્થાનિક લોક કલાકારો પણ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરશે.