કેન્દ્રની ગુજરાતને ભેટ: કાલુપુર રેલવે સ્ટેશનનો થશે પુનર્વિકાસ

ગાંધીનગરઃ દેશની રાજધાની દિલ્હીમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT,  મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનર્વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત છે. તેમના હસ્તે અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ થવાનો છે. આમ, નવરાત્રિના આ દિવસોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવાની છે.મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનને લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે  શહેરના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે, જ્યારે મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડિંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોનાં બિલ્ડિંગોને પુનઃવિકસિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હી, CSMT અને અમદાવાદ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ ત્રણ મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુનર્વિકાસનો કુલ ખર્ચ રૂ. 60,000 કરોડ છે. આ સ્ટેશનોના પુનર્વિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.