રાસ ગરબાની તાલીમ સાથે વિવિધ ડે ની ઉજવણી

નવરાત્રિ મહોત્સવના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાસ ગરબાની રમઝટ માણવા ખેલૈયા જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.

નવરાત્રિ પહેલા ગરબા રમવાનો ક્લાસિસમાં જોડાઈ ટ્રેઈનિંગ લેવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. હવે નોરતા પહેલા ગરબાની તાલીમ દરમિયાન પણ જુદા જુદા ડે ની ઉજવણી થઈ રહી છે.

શહેરના રમઝટ ખેલૈયા રીલોડેડના હિમાંશુ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમારા ત્યાં જુદી જુદી વય જુથ ના ચારસો જેટલા લોકો રાસ ગરબાની તાલીમ લેવા માટે આવે છે. જુદા જુદા ઉદ્દેશ સાથે ગરબાની તાલીમ લેવા લોકો જોડાય છે. કેટલાક શારિરીક સૌષ્ઠવ માટે આવે છે. તો કેટલાક પધ્ધતિસર ગરબાની તાલીમ લઈ અવનવી સ્ટાઈલ શીખવા માટે આવે છે.

અહીં તમામ વય જુથના અને જુદા જુદા પ્રોફેશનના લોકો આવતા હોવાથી અમે નવરાત્રિ પહેલાં જુદા જુદા ડે ઉજવી એમને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. જે દિવસની ઉજવણી કરવામાં આવે એ મુજબના  પોશાકમાં સજ્જ થઈને લોકો આવે છે.

ગરબામાં તાલીમ લીધા પછી એક સરસ ગૃપ તૈયાર થઈ જાય છે. એ તાલીમબધ્ધ ગૃપના લોકો જ્યારે ગરબે રમે ત્યારે સૌ અચંબિત થઈ જાય છે. આ વર્ષે અમે રેડ ડે, બ્લ્યુ ડે, શહીદ દિવસ, ટ્વિન્સ ડે, ગૃપ ડે , સિગ્નેચર ડે રાખ્યા છે.

પરંપરાગત વસ્ત્રો સાથે પણ સૌને પરફોર્મ કરાવી સ્પર્ધા પણ રાખીએ. જેથી સૌ તાલીમાર્થી માં નવું કરવાની ભાવના અને ઉત્સાહ જળવાઈ રહે. એક વર્ગ એવો છે જેમણે કદી પણ શૈક્ષણિક કાર્ય દરમિયાન કે જીવનમાં ક્યારેય ડે ની ઉજવણી કરી નથી. એ લોકો ખૂબ જ એન્જોય કરે છે.

ગરબાની તાલીમ લેતાં પ્રિયંકા ચિત્રલેખા.કોમને કહે છે જુદા જુદા ડે ની ઉજવણી પછી એક મજબુત ગૃપ બને છે. અહીં રાસ ગરબાની સાથે અનેક સ્ટાઈલ શીખવા મળે છે.

સાદા ગરબા સૌને આવડી જાય પરંતુ પરફેક્શન સાથેના ગરબા તાલીમથી જ આવડે. આ સાથે આંખોના હાવભાવ અને એક્સક્લુઝિવ પર્ફોર્મન્સ માટે ગરબાની તાલીમથી ખેલૈયા બધાથી અલગ જ તરી આવે.

(પ્રજ્ઞેશ વ્યાસ)