મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી

અમદાવાદ: આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી છે અને દર વર્ષે તેને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુવારે દિવ્યાંગો માટે ખાસ રમતગમત અને મનોરંજક કાર્યક્રમોના આયોજન સાથે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

ટ્રસ્ટની વિવિધ પહેલોથી લાભ મેળવનાર 35 જેટલી વિશેષ વિકલાંગ વ્યક્તિઓએ વોકિંગ, રિવર્સ વોકિંગ, દોડ, સાઇકલિંગ, રિલે રેસ, બેડમિન્ટન અને કેરમ જેવી રમતોમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત અનેક સહભાગીઓએ મ્યુઝિકલ ચેરની રમતમાં પણ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

ટ્રસ્ટનાં સ્થાપક ટ્રસ્ટી શ્રદ્ધા સોપારકર, જે સ્વામી વિવેકાનંદના પ્રખર અનુયાયી છે. તેમણે જણાવ્યું હતું કે અમને અમારા લાભાર્થીઓ માટે વિવિધ રમતો અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરીને વિશેષ આનંદ થાય છે. તેમણે દોડ, સાઇકલિંગ અને અન્ય રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મજા કરી હતી. તેમના ચહેરા પરના સ્મિત અને આનંદે કાર્યક્રમના ઉદ્દેશને સાર્થક કર્યો હતો.

આ કાર્યક્રમમાં સામેલ સહભાગીઓના મનોરંજન માટે સચિન અને અંજલિ દ્વારા વાર્તા કહેવાના સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડ અભિનેતા આદિત્ય લાખિયા અને સામાજિક કાર્યકર પ્રતિક્ષા લહેરીએ પણ આ ઉજવણીમાં હાજરી આપી હતી. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને રૂ. 5000 રોકડ ઇનામ મળ્યાં હતાં, જ્યારે બીજા પુરસ્કારના વિજેતાઓએ રૂ. 3000 મળ્યા હતા. તમામ સ્પર્ધકોને વિશેષ ઇનામો મળ્યા હતા.

વર્ષ 2019 માં અસ્તિત્વમાં આવ્યા બાદથી ટ્રસ્ટ દ્વારા 1000 થી વધુ વિશેષ બાળકોને સહાય કરવામાં આવી છે. ટ્રસ્ટના ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘સ્ટેપથોન’ હેઠળ 150થી વધુ વિકલાંગોને આયાતી કૃત્રિમ પગ પ્રદાન કરવામાં આવ્યા છે. સંસ્થા એક વર્ષમાં પ્રોજેક્ટ હેઠળ 500 લાભાર્થીઓને આવરી લેવાનું લક્ષ્ય ધરાવે છે. ટ્રસ્ટ અમદાવાદમાં એક પ્રકારનું ‘એક્વા થેરાપી સેન્ટર’ પણ સ્થાપી રહ્યું છે, જ્યાં વિકલાંગ બાળકોને મફત ઉપચાર આપવામાં આવશે.