અનોખી ઝુંબેશ: ઉતરાયણમાં વાહનો પર નિઃશુલ્ક સળિયા નખાયા

અમદાવાદઃ ઉતરાયણનો તહેવાર આવે એ પહેલાં શહેરના માર્ગો પર દોરીથી બચવા માટે  ઠેર-ઠેર વાહનો પર સળિયા નાખતા લોકો જોવા મળે. કેટલાક શ્રમજીવીઓ તહેવારો અને ઉત્સવોમાં પેટિયું રળી લેતા હોય છે. જ્યારે કેટલાક સેવાભાવી લોકો ઉતરાયણ જેવા પતંગોત્સવમાં માણસોની સાથે તમામ જીવોની રક્ષા માટે મફત સેવા કરતા હોય છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલમાં રહેતા સ્વપ્નિલ સોનીએ ઉતરાયણ પહેલા એક જ દિવસમાં સેવાના ત્રણ કાર્યક્રમ કર્યા. નારોલ ટ્રાફિક પોલીસ સાથે મળીને ચાઇનાની દોરી વિરુદ્ધ એક ‘અવેરનેસ કેમ્પેન’ કર્યું. ચાઇનાની દોરી ઘાતકી છે, એનો ઉપયોગ ટાળવો. ટૂ-વ્હીલરના ચાલકોએ હેલ્મેટ અને કારચાલકોએ અવશ્ય સીટ બેલ્ટ લગાડવો..એ પછી દોરીથી બચવા માટે નારોલ પાસે સવાસો જેટલા ટૂ-વ્હીલરચાલકોને મફત સળિયા નાખી આપ્યા હતા.

બીજા કાર્યક્રમમાં  એસટી સર્કલ ટ્રાફિક પોલીસ સાથે મળી એકસો પચાસ જેટલા ટૂ-વ્હીલરચાલકોને સળિયા નાખી આપ્યા હતા, જ્યારે ખાડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે મળી રાયપુર પાસે 300 જેટલા સળિયા વાહનચાલકોને નાખી ચાઇના દોરીનો બહિષ્કાર કરવો અને ટ્રાફિકના નિયમોના પાલનનો સંદેશ આપ્યો હતો.

સ્વપ્નિલ સોની ચિત્રલેખા.કોમને કહે છે, હું અમદાવાદ શહેરમાં જ ઊછર્યો. ઉતરાયણમાં મૂંગાં પક્ષીઓને દોરીથી ઈજા થતાં અને તરફડતાં જોયાં છે. આ સાથે ઘણા અકસ્માતો પણ જોયા. જેને કારણે છેલ્લાં પચ્ચીસ વર્ષ જેટલા સમયથી જીવદયાની જુદી-જુદી પ્રવૃત્તિઓ કરું છું. ઉતરાયણમાં પતંગ દોરીથી ઘવાયેલાં પક્ષીઓને બચાવવાના પ્રયાસ કરું છું. 

આ વર્ષે પણ સ્વપ્નિલ સોની જેવા અનેક લોકો એ દોરીથી ઇજા ના થાય એ માટે ટૂ-વ્હીલર પર અસંખ્ય લોકોને વિનામૂલ્યે સળિયા નાખી આપવાની સેવા કરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)