સુરતમાં વ્યાજખોરો પર તુડી પડી પોલીસ, અનેક ધરપકડ

હાલમાં ગુજરાત સરકાર વ્યાજખોરો સામે મેદાનમા ઉતરી છે. વ્યાજખોરો સામે તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરત પોલીસ આ મામલે એક્શન મોડમાં જોવા મળી હતી. સુરત પોલીસે વ્યાજખોરો સામે એક જ દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 30 જેટલા ગુના દાખલ કર્યા છે. જો કે, સમગ્ર ઘટનામાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તાજેતરમાં સરકાર દ્વારા વ્યાજખોરો સામે ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી અને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે આવેલી ફરિયાદમાં 30 જેટલા ગુના પોલીસે દાખલ કર્યા હતા. 27 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી. જ્યારે 22 જેટલા આરોપીઓને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં પોલીસે 100 કરતાં વધુ ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગૃહમંત્રીએ વ્યાજખોરોને લઈને થોડા દિવસ પહેલા ટિપ્પણી કરવામાં આવી હતી. જેના પગલે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.