અમદાવાદઃ ભારતની સ્વંત્રતાને 73 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ભારતીય અમેરિકન નાગરિકોએ પણ કેલિફોર્નિયાસ્થિત સનાતન ધર્મ મંદિર ખાતે ઉત્સાહભેર કરી હતી.
ઇન્ડો-અમેરિકન કલચરલ સોસાયટી નોર્ધર્ન અમેરિકા અને ઇન્ડિયન કમ્યુનિટી ઓફ સધર્ન અમેરિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકન નાગરિકોએ રાષ્ટ્રગાન કર્યું હતું અને ભારતીય તિરંગા ધ્વજને સલામી આપી હતી.રાષ્ટ્રની સ્વતંત્રતાના આ પવિત્ર પર્વએ ઉપસ્થિત ભારતીય સમુદાયના તમામ સભ્યોએ ભારતની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ‘વસુંધૈવ કટુંબકમ’ની ભારતીય વિચારધારા વૈશ્વિક એકતાનો ગુરુમંત્ર બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઇન્ડો-અમેરિકન કલચરલ સોસાયટી અને ભારતીય સમુદાયના અગ્રણી હોદ્દેદારો અને ભારતીય અમેરિકન નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વને દીપાવ્યો હતો.
આ પ્રસંગે ઇન્ડો-અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે અંગ્રેજોની ગુલામીથી છૂટી આજે 74 વર્ષે ભારતે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. આજની ભારત સરકાર આધુનિક ભારતના વિકાસમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ભારતીય ઉધોગોને નવો જોમ જુસ્સો અને આપે છે. વૈશ્વિક વ્યાપારિક સમસ્યા અને પડકારો સામે લડવાની કેન્દ્ર સરકારની યોજના ભારતીય ઉધોગોને નવી દિશા આપી રહી છે જેનો ગર્વ છે. ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બને અને વૈશ્વિક આતંકવાદ સામે સંગઠિત બની વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરે તેવી આશા વ્યક્ત કરી હતી. આ 74મો સ્વતંત્રતા દિવસ આત્મનિર્ભર ભારતનું ગૌરવવંતુ વર્ષ બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે 74મા સ્વતંત્રતા દિવસ પર્વે ભારતની પ્રજાના સહયોગથી ભારત સરકાર કેન્દ્ર કોરોના સામે જે જંગ લડે છે તે પ્રશંસનીય છે. 135 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોના સામે ઝઝૂમતા કોરોના વોરિયર્સ દેશને કોરોના-મુક્ત બનાવવામાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. વળી ભારત અમેરિકાના સંબંધો વધુ મજબૂત બને અને પરસ્પર સહયોગથી બંને દેશના વ્યાપાર ઉધોગને બળ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન કમ્યુનિટીના જૈન અગ્રણી રાજેન્દ્ર વોરાએ અંગ્રેજોની 200 વર્ષની ગુલામી બાદ ભારતને આઝાદી મળી હતી તે બાબતને યાદ કરી અનેક સ્વતંત્રતા સેનાનીઓના સાહસ, શોર્ય, બલિદાનના પ્રતાપે મળેલ અમૂલ્ય આઝાદીને વધુ બળવત્તર અને પ્રગતિમય ભારતના નિર્માણ માટે શુભેચ્છા પાઠવી હતી. સાહસિક અને શૂરવીર યોદ્ધાઓને નમન વંદન કરી તેઓએ ભારતીય એકતા અખંડ રહે અને ભારતનો સાંસ્કૃતિક વારસો વિશ્વશાંતિનો જયઘોષ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.