અમદાવાદઃ ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ‘ગણગૌર’ પર્વ ઊજવવવામાં આવે છે. આને ‘ઇસર ગૌર’ પણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ હવે આ ઊજવવામાં આવે છે. ગણગૌર વ્રત કુંવારી છોકરીઓ મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે.
માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ‘ગણગૌર’ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલાની મુખ્ય હાજરી હતી. તેમણે સમાજની મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો. માહેશ્વરી સંગિની સંગઠનનાં પ્રમુખ જ્યોતિ લાહોટીએ સૌને ‘ગણગૌર’ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સમાજની મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો, જેમાં ભગવાન શિવની સગાઈથી લઈને લગ્નના સરઘસ સુધીની યાત્રાને નૃત્ય સ્વરૂપે દર્શાવી હતી, જેમાં 600થી વધુ મહિલાઓ અને બાળકોએ હાજરી આપી હતી.