અમદાવાદઃ નવરાત્રિમાં શક્તિના જુદાં-જુદાં સ્વરૂપનું પૂજન થાય છે. આજે આઠમ છે, દુર્ગાષ્ટમીનું મહત્વ નવરાત્રિમાં વિશેષ હોય છે. દરેક પ્રાંત, સમાજ, રિવાજ, અને પરંપરા અનુસાર નવરાત્રિની ઉજવણી કરે છે. દેશમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, મણિપુર, ઓડિસા અને ત્રિપુરામાં મોટા પ્રમાણમાં લોકો દુર્ગા પૂજાની ઉજવણી કરે છે. દુર્ગા પૂજાનું પર્વ રાક્ષસ મહિસાસુરના દેવી દુર્ગાએ કરેલા વધ પછી ને અસુરો પરના વિજયની ઉજવણીના ભાગરૂપે મનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું મહત્વ સૌથી વધારે છે. બંગાળ અને બીજા પ્રાંતના લોકો જે મા દુર્ગાની પૂજા-અર્ચના કરતાં હોય એ તમામ લોકો પંડાલ બનાવી દુર્ગા પૂજા ધામધૂમથી ઊજવે છે.
અમદાવાદમાં પણ જ્યાં જ્યાં બંગાળી સમાજના લોકો વસે છે ત્યાં દુર્ગા પૂજાના પંડાલમાં દુર્ગા પૂજા માટે લોકો એકત્રિત થાય છે. સાબરમતી બંગાળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ મંડપમાં 51મી શ્રી દુર્ગા પૂજા 2022નું આયોજન કરવામાં આવ્યું છે. મંડપ બહાર સોમનાથ અને કેદારનાથની વિશાળ તસવીરો આકર્ષણનું કેન્દ્ર છે. બંગાળી સમાજની સાથે અનેક સમાજના લોકો દુર્ગા પૂજાની ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)