કેનેડાના PMને વાઈબ્રન્ટ ગુજરાત 2019માં ભાગ લેવા CM રુપાણીનું આમંત્રણ

મુખ્યપ્રધાન રુપાણી અને કેનેડાના વડાપ્રધાન વચ્ચે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક

અમદાવાદ– ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડેને આગામી ર૦૧૯ના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યુ છે. કેનેડા વાયબ્રન્ટ સમિટનું પાર્ટનર કન્ટ્રી રહ્યુ છે, ત્યારે આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં કેનેડાના વડાપ્રધાન સ્વયં તેમાં ભાગ લેવા આવે તેવો અનુગ્રહ મુખ્યપ્રધાને કર્યો હતો.મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડે સાથે આજે સોમવારે શુભેચ્છા-સૌજ્ન્ય મુલાકાત બેઠક અમદાવાદ હવાઇ મથકે કરી હતી.

વિજયભાઇ રૂપાણી અને જસ્ટીન ટ્રૂડેઉ એ એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રોમાં કેનેડા-ગુજરાત સાથે મળીને નવા પરિમાણો મેળવી શકે તે દિશામાં વિશદ ચર્ચા-વિમર્શ કર્યા હતા. મુખ્યપ્રધાને ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો અને ઉત્પાદન ક્ષેત્રે કેનેડાની બોમ્બાડીર્યર, મેકેન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ કાર્યરત છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ અભિગમમાં સૂર પુરાવતાં કેનેડાની વધુ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે પણ મુખ્યપ્રધાને કેનેડીયન વડાપ્રધાનને આમંત્રણ આપ્યુ હતું.

કેનેડાના વડાપ્રધાન વિજય રૂપાણીને સતત બીજીવાર રાજ્યશાસનનો પદભાર સંભાળવા અને ચૂંટણીઓમાં સ્પષ્ટ જનાદેશ મેળવવા અંગે અભિનંદન પાઠવ્યા હતા. જસ્ટીન ટ્રૂડેઉએ કેનેડામાં ગુજરાતી પરિવારો, બિનનિવાસી ભારતીય પરિવારો મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે મુખ્યપ્રધાનને વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્વાધ રૂપે કેનેડા આવવા ભાવભર્યુ નિમંત્રણ આપ્યુ હતું. મુખ્યપ્રધાને પણ તેનો સ્વીકાર કરતાં આભાર પ્રદર્શિત કર્યો હતો. તેમણે કેનેડામાં પારિવારિક ભાવ-લિબરલ કલ્ચરનો વ્યાપક લાભ ગુજરાતથી કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને મળી રહ્યો છે તે અંગે પણ કેનેડાના પીએમનો આભાર માન્યો હતો.