અમદાવાદ: આસુરી વૃત્તિ ધરાવતા રાવણના વધ પછી ઉજવાતા વિજયાદશમના પર્વને હિંદુ સનાતન ધર્મના લોકો પોતાની આસ્થા અને પરંપરા અનુસાર ઉજવે છે. કેટલાક સ્થળોએ નવરાત્રિ દરમિયાન રામલીલા ભજવવામાં આવે છે.
રામલીલામાં જ્યારે રાવણની લંકા પર રામ-લક્ષ્મણ-હનુમાનજી સહિતની સેના વિજય મેળવે છે એ પછી દસ માથાંવાળા રાવણને એ જ સ્થળે સળગાવી ‘અધર્મ પર ધર્મની જીત’ તરીકે ઉજવવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં ગઈ કાલે દશેરા નિમિત્તે કીર્તન, રામલીલા અને રાવણદહન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારીના બંધનોમાંથી આ વર્ષે છૂટ મળ્યા બાદ દશેરાના દિવસે રાવણદહનના કાર્યક્રમોનું ઠેરઠેર આયોજન કરવામાં આવ્યું હતું.
હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં દહન માટે રાવણનું 60 ફૂટ ઊંચું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું પણ દહન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)