અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્કથી ચાણક્યપુરી તરફ જતા ઓવરબ્રિજની નીચે આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પહેલાં ઈજનેરોએ નવતર પ્રયોગ કરી પ્લાસ્ટિક રબરના બમ્પ સાથે ટાયર ફાડી નાખે એવા બમ્પ લગાડ્યા. જેથી રોંગ સાઇડમાં વાહનો અવરજવર ના કરે અને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય.
ઓવરબ્રિજના છેડે જ લગાડેલા ખીલાવાળા બમ્પના આ પ્રયોગને નિહાળવા પોલીસ, મનપા અને મિડિયાની સાથે લોકોનાં ટોળાં પણ ઊમટી પડ્યાં હતાં. ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં કેટલાક વાહનચાલકોએ બિનધાસ્ત આ બમ્પ કુદાવવા, રોંગ સાઇડ જવા પ્રયાસ કર્યો, કેટલાક સફળ રહ્યા તો કેટલાકનાં ટાયર ફાટ્યાં.
આ માર્ગની વ્યવસ્થામાં સંકળાયેલા પોલીસ કર્મચારીઓ જ ખુદ બોલી ઊઠ્યા કે આ ખોટી જગ્યાએ લગાડેલા બમ્પનો કોઈ જ અર્થ નથી. લોકો ફરીને રોંગ સાઇડમાં ઘૂસી જાય છે. લોકો રોંગ સાઇડમાં ના ઘૂસે એ માટે ટાયર ફાડી નાખે એવા બમ્પ કરતાં સ્વયંભૂ ટ્રાફિક સેન્સ કેળવાય એ સારું ..!
(પ્રજ્ઞેશ વ્યાસ)
