બ્રહ્માકુમારી સંસ્થાનાં પ્રશાસિકા દાદી હૃદયમોહિની (93)નું દેવલોકગમન

મુંબઈ/માઉન્ટ આબૂઃ રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબૂસ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાનાં મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની વયે આજે સવારે મુંબઈની સૈફી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો. એમનાં પાર્થિવ શરીરને એર એમ્બ્યુલન્સ દ્વારા આબૂ રોડસ્થિત શાંતિવન મુખ્યાલય ખાતે લઈ જવામાં આવ્યો છે. દાદાજીનાં પાર્થિવ શરીરને આવતીકાલે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ 13 માર્ચે માઉન્ટ આબૂના જ્ઞાન સરોવર અકાદમીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દાદીજીનાં નિધનથી ભારત સહિત 140 જેટલા દેશોમાં સંસ્થાનાં સેવાકેન્દ્રોમાં શોકની લાગણી ફરી વળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના વિશિષ્ટ મહાનુભાવોએ શોકસંદેશ વ્યક્ત કર્યા છે અને દાદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બ્રહ્માકુમારી સંસ્થાનાં આગામી તમામ કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે, પરંતુ વિશ્વભરમાં યોગસાધનાનો દોર યથાવત્ રખાયો છે.

એક વર્ષ પહેલાં રાજયોગિની દાદી જાનકીજીનાં નિધન બાદ દાદી હૃદયમોહિનીને બ્રહ્માકુમારી સંસ્થાનાં મુખ્ય પ્રશાસિકા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

દાદી હૃદયમોહિનીનો જન્મ 1928માં કરાચીમાં થયો હતો. એ માત્ર ચોથા ધોરણ સુધી ભણ્યાં હતાં. આઠ વર્ષની ઉંમરમાં બ્રહ્માબાબા દ્વારા શરૂ કરવામાં આવેલી બોર્ડિંગ સ્કૂલમાં એમણે પ્રવેશ મેળવ્યો હતો. એમને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓનું જ્ઞાન હતું. એમણે દેશમાં તથા વિદેશમાં જઈને આધ્યાત્મિક્તાનો સંદેશ આપ્યો હતો.

એમનું બાળપણનું નામ શોભા હતું. દાદી હૃદયમોહિનીનું સમગ્ર જીવન સાદગી, સરળતા અને સૌમ્યતાનું પ્રતીક બની રહ્યું છે.