અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ તેમ જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને એ પછી તેઓ કમલમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે સી.આર.પાટીલ, CM પટેલ, પ્રધાનમંડળ અને સભ્યો સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પણ કમલમ પહોંચ્યાં છે.
તેમણે કહ્યું હતું કે કોઈ પણ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 માટે હવે રોજેરોજ વિવિધ પ્રકારની રાજકીય ગતિવિધિ અને નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે. ચાલુ સપ્તાહે જ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેને પગલે રાજકીય ગરમાવો આવી રહ્યો છે.
નડ્ડા બપોરે 12.30- અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં 8000થી વધુ કાર્યકરોના વિશાળ સંમેલનને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ત્યાર બાદ સાંજે ચાર કલાકે તેઓ વડોદરા જવા રવાના થશે. ત્યાંથી પરત ગાંધીનગરમાં બેઠક બાદ રાત્રે પરત દિલ્હી જવા રવાના થશે.