ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠકો ભાજપે જીતી

ગોંડલઃ રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે મોટી જીત મેળવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ગોંડલ નગરપાલિકા ભાજપે કબજે કરી છે.  ગોંડલમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગોંડલ નગરપાલિકાની તમામ 44 બેઠકો ભાજપે જીતી છે. એક પણ બેઠક કોંગ્રેસને ન મળતાં ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગોંડલ નગરપાલિકામાં કારમી હાર થતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થયા છે.

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 20એ 20 બેઠક કબજે કરી છે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકમાં પણ કેસરિયો લહેરાય તેવી આશા પ્રબળ બની છે. ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે પાલિકાની 44 બેઠકમાંથી પાંચ બેઠક બિનહરીફ થઇ હતી. મોરબીમાં કોંગ્રેસનું ધોવાણ, નગરપાલિકામાં અત્યાર સુધી 27 બેઠકો ભાજપને મળી છે.

ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય

ગીર સોમનાથનાં સૂત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપ્ના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપના કાર્યકર્તામાં ખુશીનો માહોલ છવાયો છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઈ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.

 કઈ-કઈ નગરપાલિકામાં ભાજપનો વિજય 

ઊના, કડી, બારડોલી, મોરબી, ખેડા, નડિયાદ, વાંકાનેર, પાલનપુર, ભાભર, કડોદરા, ઉના, ડીસા, કલોલ મળીને કુલ 28 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.