કોઈપણને જોડાવું હોય તો પાર્ટીનું મન ખુલ્લું છેઃ વાઘાણી

અમદાવાદઃ અમદાવાદમાં અત્યારે ભાજપની ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચિંતન શિબિર અંગે માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી સમાજના નેતા કુંવરજી બાવળીયાની ભાજપમાં જોડાવા અંગેની વાત મામલે પણ નિવેદન આપ્યું હતું.. કોંગ્રેસી નેતા કુંવરજી બાવળીયાને ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે કોઈપણને આવવું હોય તો ભાજપનું મન ખુલ્લુ છે.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે 25 જૂને સ્વ. ઇન્દિરા ગાંધીએ લોકશાહીનું ખૂન કર્યું હતું. આ દિવસને ભાજપ કાળા દિવસ તરીકે મનાવે છે. તેમણે ભાજપની ચિંતન શિબિર અંગે જણાવ્યું હતું કે, આધ્યાત્મિક વાતાવરણમાં ચિંતન શિબિર યોજાઇ છે. આગામી 2019ની લોકસભાની ચૂંટણીના ભાગ રૂપે આ ચિંતન શિબિર યોજાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019માં જનતાનો આર્શિવાદ મોદીને મળ્યો છે. 26 સીટો જીતવા માટે રોડ મેપ બનાવ્યો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા સત્તા માટે જ્ઞાતિનું ઝેર ફેલાવે છે અને આ પ્રકારની રાજનીતિ કરી તે અરાજકતા ફેલાવે છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે સામાજિક સમરસતા એ ભાજપની પરંપરા રહી છે. કેટલાક લોકો કોંગ્રેસ સાથે બેસે અને ભેગા રહીને છેતરવા નીકળે છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે સામાજિક સમરસતાનો માહોલ ન બગડે તેવા કામો ભાજપ કરશે. આગામી દિવસોમાં આ કાર્યક્રમો બાબતે ચર્ચા થઈ છે. તો વીએચપી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે વીએચપી એ ભાજપ સાથે રહેલી જ એક સંસ્થા છે અને કોઈના જવાથી કોઈ સંસ્થાને કંઈ ફેર પડતો નથી. કોઈ વ્યક્તિના નિકળવાથી સંસ્થા દૂર નથી થઈ જતી, ભાજપ અને તેમની સાથેની સંસ્થાઓ એકસાથે મળીને કામ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]