બીનરાજકીય આંદોલનને કોંગ્રેસનો ટેકોઃ પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી લડી લેવા યુવાનો મક્કમ

ગાંધીનગર : બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. જોકે, સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરતા મુખ્ય આંદોલનકારી યુવરાજસિંહે એ આંદોલન સમાપ્ત જાહેર કરી દીધું હતું, પરંતુ યુવરાજસિંહની સંદિગ્ધ ભૂમિકા પછી બાજો આંદોલનકારીઓએ જ્યાં સુધી પરીક્ષા જ સમૂળગી રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કરતા ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે.

આંદોલનને લીડ કરનાર યુવરાજ સિંહ જાડેજા સીટની રચના કર્યા પછી હટી જતા હવે કૉંગ્રેસ મેદાનમાં આવી છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સર્મથનમાં મોડી રાત્રે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ મળવા પહોંચ્યા હતા. નેતાઓએ ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી અને તેમને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે, આ પહેલા બપોરે પણ હાર્દિક પટેલ પણ અહીં ઉમેદવારોની વચ્ચે આવ્યો હતો. જોકે ઉમેદવારોએ હાર્દિકના વિરોધ સાથે હાર્દિક ગો બેકના નાારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર દરરોજ કોંગ્રેસના 5 ધારાસભ્યો પરીક્ષાર્થીઓ સાથે ઉપવાસ પર બેસશે. સાથે આંદોલનમાં રોજ 33 જિલ્લાના 33 વિદ્યાર્થીઓ પણ ઉપવાસ કરશે. અને આગામી ૯ ડિસેમ્બરે કોંગ્રેસ વિધાનસભા કૂચ કરશે. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છીએ. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. અમે બીનરાજકીય લડાઈ લડીશું.

આજે બપોરે વિદ્યાર્થી નેતાઓ અને SITના અધિકારીઓએ વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પરીક્ષાર્થીઓના આગેવાનોની બેઠકમાં ચાર અધિકારી પ્રતિનિધીઓને મળી 39 જટેલા પુરાવા કબ્જે કરશે. અધિકારીની ટીમ દ્વારા વૉટ્સઅપ ચેટ અને CCTV સહીતના પુરાવા એકઠા કરાશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ઘ-4 સ્વર્ણિમ સંકુલ સામે બુધવારે સવારથી બેઠેલા 800થી વધુ ઉમેદવારોએ ગુરુવારની રાત પણ અહીં જ વીતાવી હતી. જોકે ગુરુવારે આંદોલનનો ચહેરો ગણાતા યુવરાજસિંહ, જયરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ ગાંધીનગર કલેક્ટરને 3 વખત મળ્યા હતા. આ પછી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીટની રચના કરી હતી. જોકે પ્રદર્શનકારી પૈકીના એક એક જૂથે કહ્યું કે, આંદોલનનો એક માત્ર હેતુ પરીક્ષા રદ કરવાનો છે અને આ માગણી પર અમે વિદ્યાર્થીઓ કાયમ છીએ. આ અંગેનો કોઈ પણ નિર્ણય કોઈ નેતા નહીં પરંતુ અમે વિદ્યાર્થીઓ જ લઈશું. અમારું પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સરકારને અમારી વિદ્યાર્થીઓની અપીલ છે કે, સંઘર્ષમાં ઉતરવાનું બંધ કરે અને અમને ન્યાય આપે. આ આંદોલનમાં ગુજરાતના હજુ પણ વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવી પણ અપીલ છે.