તેલંગાણા એન્કાઉન્ટરઃ ઘટનાક્રમની મહત્વની બાબતો આ રહી…

નવી દિલ્હીઃ તેલંગાણામાં રેપ કાંડના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા પછી દેશભરમાંથી એના પ્રત્યાઘાતો પડયા છે અને આમજનતા એનાથી ખુશ દેખાઇ રહી છે. આ ચારેય આરોપીઓ પર મહિલા વેટરનરી ડોક્ટર સાથે રેપનો આરોપ હતો. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા અને આ દરમિયાન પોલીસ ફાયરિંગમાં તે લોકોના મોત થયા છે. નિર્ભયાની માએ આ નિર્ણયના વખાણ કર્યા છે અને પોતાની દિકરીના કેસમાં ન્યાયની માંગ કરી છે.

હૈદરાબાદ પોલીસે આ સમગ્ર ઘટનાક્રમ અંગે આપેલી માહિતી પરથી આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબત આ રીતે વર્ણવી શકાયઃ

  1. કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રીએ પોલીસ આ ચારેય આરોપીઓને બસથી ઘટના સ્થળ પર લઈ ગઈ હતી જેથી ઘટનાનું રિક્રીએશન કરીને તેની તપાસ કરી શકાય.
  2. આમાંથી એક આરોપીએ પોલીસનું હથિયાર છીનવી લીધું અને ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસ પાસે બીજો કોઈ રસ્તો હતો નહી કારણ કે જો આ ચારેય લોકો ભાગી જાત તો પછી આખા દેશમાં હંગામો મચી જાત.
  3. આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યારબાદ જવાબમાં પોલીસે તમામ ચારેય આરોપીઓને ગોળી મારી દીધી. આ ઘટના મોડી રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા વચ્ચેની છે.
  4. સવારે આશરે 7:30 વાગ્યે આ મામલે મીડિયાને માહિતી મળી પરંતુ વધારે જાણકારી મળી શકતી નહોતી. માનવામાં આવી રહ્યું છે કે જલ્દી આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
  5. આ એન્કાઉન્ટર બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.