ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી અવાર નવાર ચર્ચાનો વિષય બને છે. સરકાર પણ શિક્ષકોને ભરતીને લઈ નિરસતા દાખવતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે સરકારી શાળામાં શિક્ષકોની ભરતીને લઈ તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે. ગ્રેજ્યુએટ+Bed ની લાયકાત ધરાવનાર શિક્ષક બની શકશે. જેમને 21 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેરકરવામાં આવેલા નવા ઠરાવ પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધિન ‘શાળા સહાયક’ આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઇઝ કે જિલ્લાવાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે. આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા ફાળવવામાં આવેલાં ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે.
