ભૂપેન્દ્ર પટેલે 17મા મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા

ગાંધીનગરઃ રાજ્યના 17મા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ ભવનમાં યોજાયેલા સમારંભમાં શપથ ગ્રહણ કરી લીધા છે. તેમણે બપોરે 2.20 કલાકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિમાં ગૃહપ્રધાન અમિત શાહ, હરિયાણા, એમપી તેમ જ ગોવાના મુખ્ય પ્રધાનો સહિત કુલ 400 લોકો હાજર રહ્યા હતા. નવી સરકારનું પ્રધાનમંડળનું નામ બે દિવસની અંદર નક્કી થયા બાદ તેઓ હોદ્દાના શપથ લેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ બીજી ટ્વિટમાં કહ્યું હતું કે વિજય રૂપાણીએ મુખ્ય પ્રધાન તરીકે પાંચ વર્ષમાં લોકો સાથે મૈત્રીપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી છે. મને ખાતરી છે કે તેઓ આવનારા સમયમાં જાહેર સેવામાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.

નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ડે. મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા, દર્શના જરદોશ પણ શપથગ્રહણ સમારંભમાં હાજર રહ્યાં હતાં.

નવા મુખ્ય પ્રધાનના શપથ લેતાં પહેલાં ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભૂતપૂર્વ CM વિજય jtપાણીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ પહેલાં તેમણે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. નવા મુખ્ય પ્રધાને શપથ લેતાં પહેલાં તેમણે રાજકોટ અને જામનગરમાં પડેલા જોરદાર વરસાદની સ્થિતિની માહિતી મેળવી સ્થાનિક તંત્રને જરૂર પડ્યે પૂરમાં ફસાયેલા લોકોને એર લિફ્ટ કરવા માટે સૂચના આપી હતી.