ટીબીંમાં ઘોડી રાખવા મુદ્દે નહીં, ચરિત્રના કારણે દલિત યુવકની હત્યાઃ પોલિસ

ભાવનગર-ભાવનગરના ટીંબીમાં બનેલી દલિક યુવકની હત્યાની ઘટનામાં પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક પ્રદીપ તેના અભદ્ર વર્તનના કારણે વિસ્તારમાં નામચીન હતો અને છોકરીઓની અવારનવાર છેડતી કરતો હતો. આ કેસમાં તપાસ કરી રહેલી 4 તપાસટીમોએ જણાવેલા રીપોર્ટ પ્રમાણે ડીએસપીએ આ માહિતી આપી હતી.

ભાવનગર શહેરથી 60 કિલોમીટર દૂર આવેલા ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં 21 વર્ષના દલિત યુવાન પ્રદીપ રાઠોડની ઘોડી રાખવાના મુદ્દે હત્યા કરી દેવાઈ હોવાની ફરિયાદ થઈ છે. આ ઘટના 29 માર્ચની રાત્રે બની હતી. મૃતક પ્રદીપ રાતનું ભોજન પિતા સાથે જમવાનું જણાવ્યા બાદ બહાર ગયો તે બાદ ગામના ટીંબા પાસેથી ઘોડી અને તેનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસે ફરિયાદ બાદની કાર્યવાહીમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે. મૃતદેહને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. પ્રદીપના પરિવારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થયા ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, જોકે પોલિસની મધ્યસ્થી બાદ મૃતદેહ સ્વીકાર કર્યો હતો.

ઉમરાળા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે,અમે આ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અને ત્રણ લોકોની અટકાયત પણ કરી છે. આ ગુનાની તપાસ માટે અમે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને વધુ આરોપીઓને પકડીશું.

જ્યારે આ ઘટના અંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ભાવનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને ભાવનગર કલેક્ટરને સ્થળની જાત મુલાકાત લઈને તાત્કાલિક રીપોર્ટ આપવા અને જવાબદાર લોકોને પકડવાની સૂચના આપી છે.

મૃતકના સ્વજને જણાવ્યું હતું કે પ્રદીપ બે મહિનાથી ઘોડી લાવ્યો હતો. જે નહીં રાખવા માટે આસપાસના ગામડાંના લોકો તે ખેતરે જતો ત્યારે રોકીને ધાકધમકી આપતા હતાં. તેથી ઘોડી વેચી દેવા તજવીજમાં હતો. પીપરાળા ગામના દરબાર જેમનું નામ તેમને ખબર નથી તેમણે પ્રદીપને સાત-આઠ દિવસ પહેલા ઘોડી પર નહીં બેસવા, તેને વેચી દેવાનું કહ્યું હતું અને તેમ ન થાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.