ગુજરાતમાં નિષ્ફળ ગયો ‘બેટી બચાવો, બેટી પઢાવો’ નો નારો, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

નવી દિલ્હી: રાજ્યસભામાં મંગળવારે સરકારે ગુજરાતમાં કન્યા ભ્રૂણ હત્યાની વધતી જતી ઘટનાઓ પર ચર્ચા કરવાની માગણી નકારી, પણ આ મામલે કોંગ્રેસના નેતાએ આપત્તિ દર્શાવી અને જૂના રિપોર્ટનો હવાલો આપ્યો. રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય અમી યાજ્ઞિકે કહ્યું કે, જૂના રેકોર્ડ પરથી માહિતી મળે છે કે, 2017માં સૌથી વધુ પ્રમાણમાં કન્યા ભ્રૂણ હત્યાઓ ગુજરાતમાં થઈ હતી. શું બેટી બટાવો, બેટી પઢાવો યોજના ગુજરાતમાં નિષ્ફળ ગઈ? જે એક તથાકથિત મોડલ અને વિકસિત રાજ્ય છે.

યાજ્ઞિક દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવો યોજના અમે 600 જિલ્લાઓમાં પ્રભાવી રૂપથી લાગૂ કરી છે. યોજનાના અમલીકરણ અંગે ડેટા પરથી એવું કંઈ સાબિત નથી થતું. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતે લગભગ દરેક ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે એ વાત પણ ઓન રેકોર્ડ છે.

તો એક સભ્યએ આઈવીએફને લઈને સદનમાં ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આઈવીએફ દ્વારા ગર્ભ ધારણ કરતાં પહેલાં બાળકના લિંગને પસંદ કરવામાં આવે છે. જેના જવાબમાં હર્ષવર્ધને જણાવ્યું કે, આ નવી ટેક્નોલૉજીથી બાળકનું લિંગ જાણી શકાય છે, પરંતુ અમે સાવધાની રાખી રહ્યા છીએ અને નિરીક્ષણ ટીમ સતત તેના પર નજર રાખી રહી છે.

કન્યા ભ્રૂણ હત્યા જેવા મામલાઓમાં દોષિઓને સજા આપવા બાબતે હર્ષવર્ધને કહ્યું કે, અમે નિયમિત રૂપે રાજ્ય સરકારો સાથે વાત કરીએ છીએ. પરંતુ દુર્ભાગ્યવશ કોર્ટ દ્વારા તેમને સજા મળવાનો દર બહુ ઓછો છે.

આ મામલે શિરોમમી અકાલી દળના નેતા નરેશ ગુજરાલે કહ્યું કે, 2015થી 2017 દરમ્યાન કન્યા ભ્રૂણ હત્યાના રાજ્યવાર આંકડાઓમાં આરોગ્યમંત્રીનો જવાબ ઘણો આશ્ચર્યજનક છે. રિપોર્ટમાં બિહાર, કેરળ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક પણ કેસ નોંધાયો નથી. શું આ મામલે સરકાર ગંભીર છે? જેના જવાબમાં હર્ષવર્ધને કહ્યું અમે નિયમિત રીતે રાજ્યો સાથે આ મામલે પાલન કરીએ છીએ. દુર્ભાગ્યવશ આ સમસ્યા થોડી મુશ્કેલ છે અમે રાજ્યો સાથે મળીને કામ પણ કરી રહ્યા છીએ.