પૃથ્વી શોએ ડબલ સેન્ચુરી મારી ટીકાકારોની બોલતી બંધ કરી, તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

વડોદરા – અહીંના રિલાયન્સ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી સ્પર્ધાના એલિટ ગ્રુપ-Bની બરોડા સામેની મેચમાં મુંબઈના ઓપનર પૃથ્વી શોએ શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી.

ઉત્તેજક દ્રવ્યનું સેવન કરવાના કેસમાં આઠ મહિના સુધી પ્રતિબંધ ભોગવીને ક્રિકેટના મેદાન પર પાછા ફરેલા પૃથ્વીએ આજે મુંબઈના બીજા દાવમાં જોરદાર ફટકાબાજી કરી હતી અને 179 બોલમાં 202 રન ઝૂડી કાઢ્યા હતા. એણે 19 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

આ દાવ રમીને પૃથ્વીએ મુંબઈ ટીમમાં ચાર દિગ્ગજ બેટ્સમેનોનો વિક્રમ તોડ્યો છે. એ ચાર જણમાં સચીન તેંડુલકર અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. વળી, છેલ્લા 25 વર્ષમાં ભારતમાં સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાઓમાં સૌથી ઝડપે ડબલ સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

સ્થાનિક ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનોઃ

પૃથ્વી શો – 174 બોલમાં

શ્રેયસ ઐયર – 175 બોલમાં

રોહિત શર્મા – 185 બોલમાં

સચીન તેંડુલકર – 188 બોલમાં

20 વર્ષીય પૃથ્વી શોએ પહેલા દાવમાં 66 રન કર્યા હતા. આમ, આ મેચમાં જોરદાર બેટિંગ દેખાવ કરીને ધમાકેદાર કમબેક કર્યું છે.

ગયા મહિને સૈયદ મુશ્તાક અલી ટ્વેન્ટી-20 સ્પર્ધામાં આસામ સામેની મેચમાં પૃથ્વીએ મુંબઈ વતી રમતાં 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા.

ચાર-દિવસની મેચમાં મુંબઈએ પહેલા દાવમાં 431 રન કર્યા હતા. તેના જવાબમાં બરોડાએ પહેલા દાવમાં 307 રન કર્યા હતા. મુંબઈએ તેનો બીજો દાવ 4 વિકેટે 409 રને ડિકલેર કર્યો હતો. બરોડાને મેચ જીતવા માટે 534 રનનો ટાર્ગેટ મળ્યો છે. આજે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે એણે બીજા દાવમાં 3 વિકેટે 73 રન કર્યા હતા.

પૃથ્વી શોએ એની ટેસ્ટ કારકિર્દીનો આરંભ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યો હતો. ત્યારે એણે પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારી હતી અને બીજી ટેસ્ટ મેચમાં બીજી હાફ-સેન્ચુરી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ એ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને ક્રિકેટ બોર્ડે એને સસ્પેન્ડ કર્યો હતો. એની જગ્યાએ હવે મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં રમતા થયા છે.