રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાછલા થોડા દિવસથી વરસાદનું સામાન્ય જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું હતું. તો હવે રાજ્ય વાસીઓને આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે, કેમકે હવામાન વિભાગે 48 કલાક બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. હાલ પૂરતી બે દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ છૂટા છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, 8 અને 9 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર હળવું રહે તેવી શક્યતા છે.
ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયો ન ખેડવાની અપિલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં ગુજરાતમાં કુલ સરેરાશ 68 ટકા વરસાદ નોંધાય ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના દેવ ભૂમિ દ્વારકામાં સૌથી 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે.