ગુજરાતમાં ‘બારે મેઘ ખાંગા’, સિઝનનો 100 ટકા વરસાદ પૂરો

ગુજરાતમાં પાછલા બે દિવસમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાય છે. રાજ્યમાં સતત ભારે વરસાદને પગલે જનજીવન અસ્થવ્યસ્થ જોવા મળી રહ્યું છે. મોટાભાગનું ગુજરાત ‘જળમગ્ન’ બની ગયું છે. મંગળવારે 245 તાલુકામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી વડોદરા, રાજકોટમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પણ પૂરો થઇ ગયો છે. ભારે વરસાદથી બે દિવસમાં 7 વ્યક્તિના મોત થયા છે.

ગુજરાતમાં સોમવારથી મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે ઠેર-ઠેર ભારે વરસાદના પગલે લોકમેળાનું આયોજન પણ રદ કરવાની ફરજ પડી હતી. મંગળવારે પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 9 ઈંચ વરસાદ નોંધયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 10.9 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ઔરંગા નદીના પાણી ભરાતા 1152 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. નવસારીમાં ત્રણ નદીઓ ગાંડીતૂર બનતા 1573 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ભારે વરસાદને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ હેઠળ મૂકાયા હતા. તો રાજકોટનો આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે. તો આવતી કાલ એટલેકે 29 ઓગસ્ટના રોજ રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 30 ઓગસ્ટના દિવસે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારેથી અતિ ભાર વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.