રૉબિન્સવિલ, ન્યૂ જર્સીમાં બીએપીએસનો “પ્રેરણાનો મહોત્સવ” (ફેસ્ટિવલ ઓફ ઇન્સપીરેશન્સ)

રૉબિન્સવિલ, ન્યુ જર્સી: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર ડેવિડ ફ્રાઈડની શુભ ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. આ મહોત્સવ એ એવી ઉજવણી છે જે હિંદુ ધર્મની વિવિધતા, કલા, સ્થાપત્ય, મૂલ્યો અને સંસ્કૃતિનાં સમૃદ્ધ તાણાવાણાને જોડે છે. જટિલ રીતે રચિત શિલ્પોથી માંડીને મંત્રમુગ્ધ કરતાં નૃત્ય પ્રદર્શન અને વળી આત્માને ડોલાવતાં કાર્યક્રમો, આ ઉત્સવના જાણે પ્રાચીન પ્રજ્ઞા અને કાલાતીત ઉપદેશોના પ્રવેશદ્વારરૂપ બને છે. આ ઉત્સવ ઉત્તર અમેરિકાના અતિથિઓને માનવ ભાવનાને પ્રેરિત અને પ્રજ્વલિત કરતા ગહન ઉપદેશોમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહિત કરશે. તે મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકારવાનું એવું આમંત્રણ છે, જે સમયની કસોટીએ પાર ઉતર્યાં છે. સાથે એ ‘સ્વ’ને અને વિશ્વને ઊંડાણથી જાણવા પ્રોત્સાહન આપે છે. આ પ્રેરક પ્રવાસ સર્વને  પ્રેરણાની ચિનગારી પોતાના જીવનમાં લઈ જવા માટે આમંત્રિત કરે છે અને આમ તેની પરિવર્તનશીલ ઊર્જાને દૂર-દૂર સુધી ફેલાવે છે.

પરંપરાગત નૃત્ય પેશ કરતા બાળકો અને યુવાઓ

બીએપીએસ મહિલા પ્રવૃત્તિઓના રાષ્ટ્રીય સંયોજક અલક પરમારે જણાવ્યું હતું કે, “પ્રેરણાનો મહોત્સવ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે સાર્વત્રિક મૂલ્યોને શોધવા અને સ્વીકારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે, જે આપણને એક તાંતણે બાંધે છે. સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા, અમારો હેતુ વિશાળ શ્રેણીના પ્રેક્ષકોને જોડવાનો અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવાનો છે. આ મહોત્સવ વ્યક્તિને કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપશે અને સંનિષ્ઠ બનાવશે.”

ઉત્સવમાં યુવાનો, વ્યાવસાયિકો અને સમુદાયના સભ્યો માટે અનન્ય રીતે કરાયેલા કાર્યક્રમો હશે જેનો ઉદ્દેશ્ય પ્રેરણા અને ઉત્થાનનો છે. વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રકતદાનનો સમાવેશ થાય છે. એ દ્વારા સર્વે પેઢીઓમાં વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન મળશે. સાથે-સાથે પ્રત્યેક વ્યક્તિને અંતર સાથે અને વિશ્વ સાથે શાંતિ અને સુમેળ થાય એવા હેતુને સિદ્ધ કરવા માટે ત્રણ મહિના લાંબો પરંપરાગત વૈદિક યજ્ઞ કરવામાં આવશે.

મહોત્સવમાં ભાવિકોનું અભિવાદન સ્વીકારતાં પૂ. મહંત સ્વામી મહારાજ

પ્રેરણાનો મહોત્સવ એ મૂલ્યોની ઉજવણી કરે છે જે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા પણ મૂર્તિમંત છે. હિંદુ સ્થાપત્ય અને સંસ્કૃતિનું આ સીમાચિહ્ન પ્રાચીન ભારતના સમૃદ્ધ વારસાને અમેરિકાની ગતિશીલ આધુનિકતા સાથે જોડે છે. ધર્મસ્થાન હોવા ઉપરાંત, બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એક ગતિશીલ સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપશે, સાથે વિવિધ વ્યક્તિઓને જોડાવવા અને શીખવા માટે આવકારશે. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય અમેરિકન સમુદાયના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પુરાવા તરીકે ઊભું છે અને તેની રચનામાં સામેલ અસંખ્ય સ્વયંસેવકો દ્વારા પ્રદર્શિત સેવા અને ભક્તિની સમર્પિત ભાવનાને શ્રદ્ધાંજલિ અર્પે છે.

વિવિધતાનાં મૂલ્યોની રજૂઆત કરતાં પ્લેકાર્ડ્સને આનંદપૂર્વક દર્શાવતાં બાળકો

સમારોહનો આરંભ ઉત્કૃષ્ટ ભક્તિ ભજન, પરંપરાગત નૃત્યો, અને મૂલ્યો તથા ઉત્સવોના મહત્વ પરના ભાષણોથી થયો હતો. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનાં સકારાત્મક પરિણામ સમજાવ્યા હતા, જ્યારે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આવા ઉત્સવોમાં ભાગ લેવાથી થતાં ઉપસ્થિત લોકોના વ્યક્તિગત વિકાસ પર ભાર મૂક્યો હતો. ત્રણ મહિના સુધી ચાલનારા આ ઉત્સવનું ઉદઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી પોતે આજીવન મૂલ્યોની દીવાદાંડી રૂપે જીવ્યા છે. તેમની ઉપસ્થિતિએ  બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના મહત્વને વધુ અસરકારક કર્યું, જે માત્ર ઉપસ્થિતોને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપતું રહેશે.

બીએપીએસના દિવંગત આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક સરળ પરંતુ સ્થાયી દ્રષ્ટિ હતી કે, “બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામમાં પ્રવેશનારા સર્વેને શાંતિ અને પ્રેરણાનો સાર મળે.” ટૂંક સમયમાં પૂર્ણ થનાર બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર આ દૃષ્ટિને પરિપૂર્ણ કરવાની આશા રાખે છે.

મહોત્સવ સભાના આરંભે સંબોધન કરતા પૂજ્ય નિલકંઠસેવાદાસ સ્વામી

“અમે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના અતૂટ સમર્થન અને ઉષ્માભર્યા સ્વીકૃતિ અન્વયે રોબિન્સવિલ સમુદાયનો અત્યંત આભાર વ્યક્ત કરીએ છીએ.”, આમ  ચંદ્રેશ પટેલ, બીએપીએસ રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મુખ્ય સ્વયંસેવકે જણાવ્યું હતું.

મહોત્સવનો આનંદ માણતાં શ્રદ્ધાળુઓ

મર્યાદિત સ્થાનને કારણે, આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પૂર્વ-નોંધણી આવશ્યક છે. રસ ધરાવનાર વ્યક્તિઓ https://na.baps.org પર લાઇવ વેબકાસ્ટ દ્વારા વિવિધ સમારોહ જોઈ શકે છે. દૈનિક પરિસર સમય વિશે કે અન્ય વિગતો માટે કૃપા કરીને baps.org/robbinsville ની મુલાકાત લો.