દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ પૂર્ણા નદી ભયજનક સપાટીએ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં જળબંબોળની સ્થિતિ છે. નવસારીમાં એક જ રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદું થયું છે. નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેના બે માર્ગો બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. ખાસ કરીને પૂર્ણા નદીની જળસપાટી 24 ફૂટ થતાં નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. પૂર્ણા હાલ ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર છે. સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ભારે વરસાદને લીધે ૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ સાથે  ચીખલીની કાવેરી નદી ભયજનક 19 ફૂટ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા છ ઇંચ ખાબક્યો છે. તો રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઈ ગયું છે.

બસ ફસાઈ

વડોદરાના માંગલેજ-નારેશ્વર રોડ ઉપર ગણપતપુરા રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયેલા વરસાદી પાણીમાં વડતાલ સંત્સગીઓની બસ ફસાઈ ગઈ હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓને હાશ થઈ હતી.

રસ્તા બંધ

સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે 32 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના ચાર અને માંડવીનો એક રસ્તો બંધ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના જલારામ મંદિરની પાછળથી 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.  ડી.એમ નગર અને એમ. એન પાર્ક નગરમાંથી પણ 11 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત

નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. થયા છે. તો ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેને બંધ કરવામાં આવ્યો છે.

21 લોકોનું રેસ્ક્યુ કરાયું

મધુબન ડેમમાંથી દર કલાકે એક લાખ ક્યુસેટથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દાદરાનગર હવેલીના ખાનવેલના વિલ તલાવલી ખાતે ખાડીના તટ વિસ્તારમાં 21 લોકો ફસાઈ ગયા હતા.  જેથી સ્થાનિક ફાયર અને અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.