વડોદરામાં એટીએમમાં પૈસા ભરવા આવેલા કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ

વડોદરાઃ એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા કર્મચારીઓ પર હુમલો કરી લૂંટને અંજામ આપવાની ઘટના ઘટી છે. વડોદરાના મુક્તાનંદ ચાર રસ્તા પાસે આવેલા એટીએમમાં બે કર્મચારીઓ પૈસા જમા કરાવવા આવ્યા હતા અને આ કર્મચારીઓ પર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ત્યાર બાદ તૈમની પાસે રહેલા 6 લાખ રૂપીયા લઈને આ ગઠીયાઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

શહેરના મુક્તાનંદ પાસે આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં કર્મચારીઓ કેશવાન લઈને પૈસા જમા કરાવવા માટે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પહેલાથી વોચ ગોઠવીને બેઠેલા બે શખ્સોએ આ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તુરંત જ તેમની પાસે રહેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. કર્મચારીઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે હુમલો કરનાર શખ્સો પાસે પિસ્તોલ અને છરી જેવા ઘાતક હથિયારો હતા જેના વડે તેઓએ હુમલો કર્યો હતો. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લૂંટારૂઓ પોતાની પાસે રહેલી બંદૂક ત્યાં જ મુકીને ફરાર થઈ ગયા હતા જે હાથ લાગી છે.

આ સમગ્ર ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે કે બે યુવકો એટીએમ પાસે ઉભા હતા અને ત્યારબાદ કેશવાનમાંથી ઉતરીને કર્મચારી કેશ લોડ કરવા માટે આવી રહ્યા છે અને જેવો જ એક કર્મચારી આગળ આવ્યો કે તરત જ તકની રાહ જોઈને બેઠેલા આ ગઠીયાઓએ કર્મચારીની હાથમાંથી બેગ ઝુંટવી લીધી હતી અને તુરંત ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ કર્મચારી લૂંટારૂની પાછળ પણ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં ગઠીયાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]