મુંબઈ વિમાન દુર્ઘટનાઃ મહિલા પાઈલટે પોતાનાં જાનના ભોગે બીજાં ઘણાનાં જાન બચાવ્યા

મુંબઈ – ઈશાન મુંબઈના ઉપનગર ઘાટકોપરના પશ્ચિમ ભાગમાં આજે બપોરે 12-સીટવાળું બીચક્રાફ્ટ C-90 ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એની અમુક જ ક્ષણ પહેલાં મહિલા પાઈલટ (મારિયા ઝુબેરી)એ વિમાન કોઈ રહેણાંક મકાન સાથે અથડાય નહીં એ માટે સમયસૂચકતા વાપરીને એને ત્વરિત બાજુમાં વાળી લીધું હતું. એમ કરીને એમણે અનેક લોકોના જાન બચાવ્યા હતા.

આ જાણકારી ભૂતપૂર્વ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલે ટ્વીટ કરીને આપી છે.

વિમાને બપોરે લગભગ 1.10 વાગ્યે જુહૂ હવાઈપટ્ટી પરથી ટેક ઓફ્ફ કર્યું હતું. એમાં બે પાઈલટ હતા – કેપ્ટન મારિયા ઝુબેરી અને સહ-પાઈલટ કેપ્ટન પી.એસ. રાજપૂત તથા બે મેન્ટેનન્સ એન્જિનીયર હતા – સુરભી ગુપ્તા અને મનીષ પાંડે. એ ચારેય જણ તથા નીચે ગોવિંદ પંડિત નામના એક રાહદારીનું આ દુર્ઘટનામાં મરણ નિપજ્યું છે.

વિમાન જ્યાં પડ્યું તે એક બાંધકામ હેઠળનું મકાન છે. પરિણામે ત્યાં એ વખતે બહુ જૂજ લોકો હાજર હતા.

પ્રફુલ પટેલે મહિલા પાઈલટની પ્રશંસા કરી છે અને કહ્યું કે એમણે પોતાનાં જાનનાં ભોગે બહુ મોટી દુર્ઘટના ટાળી દીધી હતી. નહીં તો બહુ મોટી જાનહાનિ થઈ હોત.

વિમાન લગભગ 20 વર્ષ જૂનું હતું.

અગ્નિશામક દળના અધિકારીએ કહ્યું કે અમારા કન્ટ્રોલ રૂમને બપોરે 1.15 વાગ્યે વિમાન દુર્ઘટનાનો ફોન કોલ આવ્યો હતો. અમારા જવાનો ચાર ફાયર એન્જિન્સ તથા ચાર વોટર ટેન્કર્સ સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

બહુ જ ચિંતાજનક બનાવઃ મુખ્ય પ્રધાન ફડણીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘાટકોપરમાં ચાર્ટર્ડ વિમાનને નડેલી દુર્ઘટનાનાં સ્થળની સાંજે મુલાકાત લીધી હતી. એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, ‘આ બહુ જ ચિંતાજનક બનાવ બન્યો છે. એની પાછળનાં કારણો તથા એને માટે કોણ જવાબદાર છે એ શોધી કાઢવામાં આવશે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]