કન્યા પધરાવો સાવધાન, લાઇવ! લગ્ન સમારોહની લાઇવ મોબાઇલ એપ…

ગાંધીનગરઃ પોતાના જીવનના સુખના પ્રસંગો અને ક્ષણો સમાજમાં અંગત અને આસપાસ વસતા લોકોમાં વહેંચવા કેટલાક લોકો ભારે ઉત્સાહી હોય છે. સમગ્ર જીવન દરમિયાન લગ્ન, બર્થ-ડે જેવા અનેક શુભ પ્રસંગને લોકો પોતાની આગવી શૈલીમાં અનોખી રીતે યાદગાર બનાવવા પ્રયત્ન કરતાં હોય છે. જેમાં આમંત્રણથી માંડી પ્રસંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરે છે. આખોય શુભ પ્રસંગ એકદમ એક્સક્લુઝિવ થાય, સૌ અચંબામાં રહી જાય અને ઉત્સવની જેમ ઉત્સાહથી માણે એવા અથાગ પ્રયત્નો કરતા રહે છે.

જ્યારે ટેકનોલોજીનો વિકાસ નહોતો એવા સમયમાં આમંત્રણ પત્રિકાઓમાં વિવિધતા હસ્તલિખિત, અનોખા પ્રિન્ટિંગ, પુસ્તક રુપે કે કાયમી સાચવી શકાય એવી બનાવાતી હતી. હવે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે..આમંત્રણ પણ વોટ્સએપમાં મોકલવાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરના મહેશ પટેલે પોતાની દીકરીના લગ્નમાં હાલની અત્યાધુનિક ટેકલોજીનો ઉપયોગ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો  છે. મહેશભાઇએ શરુઆત જ આમંત્રણ પત્રિકાથી કરી છે. જેમાં આધુનિકતાના ઉપયોગ સાથે આમંત્રણો મોકલાવ્યા છે. આ આખાય લગ્ન પ્રસંગની ગરિમાને યથાવત જાળવી દુર વસતા, ઉપસ્થિત અને હાજરના હોય એવા તમામ સ્નેહી પરિચિત લોકો માણી શકે એ માટે આપણી ઇવેન્ટ નામની મોબાઇલ એપ બનાવી છે. જેમાં ગણેશ પૂજન, મંગળ મહેંદી, પવિત્ર પીઠી ,મન મિલાપ ,હસ્ત મિલાપ,સપ્તપદી, ફેરા જેવા તમામ પ્રસંગો સોશિયલ મીડિયામાં લાઇવ થાય એવી ગોઠવણ કરી છે. આ લગ્નના શુભ સ્થળે પધારવા માટેના માટેના મેપ, મેનુ અને મ્યુઝિકની પણ સુવિધાઓ સોશિયલ મિડીયામાં મુકવામાં આવી છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં દીકરીની પિતા મહેશ પટેલ કહે છે મારી આસપાસ રહેતા સગાં-સંબંધી,  તમામ પ્રસંગોમાં ઉપસ્થિત ન રહી શકે એવા સ્વજનો  લગ્નોત્સવની તમામ બાબતો માણી શકે, જાણી શકે  એ માટે એપ, યુટ્યુબ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ સાથે આજની આધુનિકતાનો સંપૂર્ણ રીતે સદ્ઉપયોગ બિનલ અને હાર્દિકના લગ્નમાં થાય એવો નમ્ર પ્રયાસ કર્યો છે. એપથી માંડી તમામ લગ્ન પ્રસંગને ટેકનોલોજીથી સજ્જ બનાવી યાદગાર બનાવવા એક ટીમ તૈયાર કરી ચાર મહિના કરતાં વધારે સમયના પ્રયાસો કર્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]