ખેડૂતો પર ફરીથી રીઝતી સરકારઃ પાવર વધારા માટે કોઇ ચાર્જ નહીં

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો પાસેથી એક સમાન વીજ દર લેવાનો નિર્ણય કર્યો છે. અત્યારે રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો- માટે ૦ થી ૭.૫ હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ.૬૬૫ પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ ૮૦૭.પ૦ પ્રતિ હોર્સ પાવર દર છે.

હવે નવા નિયમ મુજબ વાર્ષિક ૦ થી ૭.૫ હોર્સ પાવર તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુ બંન્ને માટે એકસમાન રૂ.૬૬પ પ્રતિ હોર્સ પાવર વીજ દર ચૂકવવાનો રહેશે. ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. ર૪૦૦ પ્રતિ વર્ષ ૧ લી એપ્રિલ-૨૦૧૩ થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. હવે ૭.પ થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ.૧૪ર.પ૦ પ્રતિ હોર્સ પાવર જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.

આ નિર્ણયથી હાલ ૭.પ હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે ૨ લાખ ખેડૂતોને લાભ મળશે. રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂ. ૭૭ કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે.