168 પોલીસ જવાનો-અધિકારીઓને પોલીસ ચંદ્રક એનાયત

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા.

ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ કમિશનર શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના ૧૮ પોલીસ ચંદ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના ૧પ૦ પોલીસ પદક એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ.

મુખ્યપ્રધાને કહ્યું કે શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શક્ય ગુનાઓને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ ટેકનોસેવી છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે, ગૂના આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝીલવા સક્ષમ છે.

તેમણે કહ્યું કે, માથાભારે તત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ પ્રસરે છે, આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે. ગુજરાત પોલીસની કડપ અને છાપ જ એવા છે કે સામાન્ય માનવીને પણ સુરક્ષિતતાનો અહેસાસ સતત થતો રહે છે. પોલીસ પ્રજાના મિત્ર તરીકે પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા રચાઇ છે. ગુજરાત પોલીસે પ્રોપીપલ પોલીસીંગનો જે અભિગમ અપનાવ્યો છે તે પ્રજા-પોલીસને વધુ નજીક લાવે છે એમ પણ તેમણે પોલીસ દળની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું.