260 કરોડનું ફૂલેકું ફેરવનાર બન્ટીબબલી દંપતિ પર ગાળીયો કસાયો…

અમદાવાદઃ ગુજરાતમાં મોટી ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિપત્ની 260 કરોડ રુપિયાનું કૌભાંડ આચરી ફરાર થઈ ગયાં છે. આ બન્ટીબબલી પતિપત્ની એકના ડબલની લાલચ આપી છેતરપિંડી આચરી છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીએ શહેરના થલતેજ વિસ્તારમાં પોતાની ઓફિસ ખોલી હતી અને ત્યાંથી ઠગાઈનો મોટો કારોબાર ચલાવતાં હતાં.

વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન્સ નામથી ઓફિસ ખોલીને આ ઠગ દંપતીએ લોકોને એકના ડબલ કરવાની લાલચ આપી હતી. આરોપી હાલ નેપાળમાં છે. તેમ જ તેની પત્ની દિલ્હીમાં હોવાની માહિતી છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઠગ દંપતી સાથે અગાઉ એક ફરિયાદીએ સમાધાન કરી લીધું હતું.

આ કેસમાં જેટલા ભોગ બન્યાં હોય તેટલી ફરિયાદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાશે તેવી પુરેપુરી શક્યતાઓ જાહેર થઇ છે. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ ઠગ કૌંભાડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારો પર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં વિનયે કરોડોના તોડ કર્યાના આક્ષેપ કર્યાં સાથેની આરોપીની ચિઠ્ઠી સામે આવી છે. ઠગનો દાવો છે કે તેની પાસે કરોડો ચૂકવ્યાના ઓડિયો – વીડિયો રેકોર્ડિંગ છે.

જે કે ભટ્ટે કરી બદનક્ષી ફરિયાદ

આ આરોપો સામે મોડી સાંજે પોલિસ અધિકારી જે કે ભટ્ટે બદનક્ષીની ફરિયાદ કરતાં 20 કરોડ રુપિયાની નુકસાનીનો દાવો કર્યો છે. વિનય શાહે કરેલા આક્ષેપો મામલે જે.કે ભટ્ટે સ્પષ્ટતા કરતાં વિનય શાહ વિરુદ્ધ અમદાવાદ એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં IPC 500,501 મુજબ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. જે કે ભટ્ટ વિનય શાહ સામે 20 કરોડનો દાવો કરશે.