અમદાવાદ-ગ્રાહકોના હિતની રક્ષા કરતી ગ્રાહક કોર્ટ દ્વારા એક મહિલાના મોત માટે રેલવેતંત્રને જવાબદાર ઠેરવતાં 4.44 લાખ રુપિયાનું વળતર ચૂકવવાનો હૂકમ કરવામાં આવ્યો છે. રેલવેમાં પ્રવાસ કરી રહેલાં સવિતાબહેન નામના મહિલા પર સામાન પડવાથી ઘાયલ થયાં હતાં અને તેમનું મોત થયું હતું. કન્ઝ્યુમર કોર્ટે ભારતીય રેલવેને આદેશ આપ્યો છે કે તે મૃતકના પરિવારને ૪.૪૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવે. ગુજરાતના ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે ૨૦૧૧માં હિંમતનગરની કન્ઝ્યુમર કોર્ટ દ્વારા ૧.૯૨ લાખ રુપિયાના વળતરની રકમ વધારીને 4.44 લાખ રુપિયા પણ કરી છે.આ ઘટનામાં સાબરકાંઠાના દોદાદ ગામનાં સવિતા તારલ ૨૦૦૯માં પરિવાર સાથે ખેડબ્રહ્મા-તલોદ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે અચાનકથી બ્રેક લાગવાના કારણે ઉપરવાળી બર્થ અને તેના પર રાખવામાં આવેલ માલ-સામાન સવિતાબહેનના માથા પર પડ્યો હતો,જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં પરંતુ સવિતાબહેનનું છેવટે મોત થયું હતું.
સવિતાબહેનના પતિ અને તેમના સાત બાળકોએ રેલવે પર ૬.૫ લાખ રુપિયાનો કેસ દાખલ કર્યો હતો. ફોરમે ૨૦૧૧માં છ ટકા વ્યાજ સાથે ૧.૯૨ લાખ રુપિયાનું વળતર ચુકવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ વળતર પરિવારે અસ્વીકાર્ય કરતાં કેસ સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે દર મહિને ૩૦૦૦ રુપિયાના હિસાબથી ૩.૮૪ લાખ રુપિયાનું વળતર ચૂકવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત સવિતાના બાળકોને પ્રેમ અને સ્નેહના નુકસાન બદલ ૩૦૦૦૦ રુપિયા, અંતિમ સંસ્કાર માટે ૧૫૦૦૦ રુપિયા તેમ જ પજવણી અને કાયદાકીય ખર્ચ પેટે ૧૦૦૦૦ રુપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.