વાજતેગાજતે થઈ 19મા ટ્રાન્સમિડિયાનાં નામાંકનોની જાહેરાત

અમદાવાદઃ 19મા ટ્રાન્સમિડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 2019ના વિજેતાઓ માટેના નોમિનેશન્સ-નામાંકનોની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષની ગુજરાતી ફિલ્મોમાં ટિચર ઓફ ધ યર અને મોન્ટુની બિટ્ટુને સૌથી વધુ 12-12 નામાંકનો, જ્યારે ધુનકી અને ચીલઝડપને 10-10 નામાંકનો મળ્યાં છે. આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મના એવોર્ડ માટે હવે ટીચર ઓફ ધ યર, મોન્ટુની બિટ્ટુ, ગુજરાત 11, ચીલઝડપ, ધુનકી અને કાચિંડો નામાંકનોમાં છે.

શ્રેષ્ઠ અભિનેતા માટે મૌલિક જગદીશ નાયક(મોન્ટુની બિટ્ટુ), શૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), કિરણ કુમાર(હવે થશે બાપ રે બાપ), જીમિત ત્રિવેદી(ચીલઝડપ), હિતેનકુમાર(જલસાઘર), ગૌરવ પાસવાલા(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રતીક ગાંધી(ધુનકી)ને નોમિનેશન્સ મળ્યાં હતાં, તો શ્રેષ્ઠ અભિનેત્રી માટે ડેઝી શાહ(ગુજરાત 11), આરોહી પટેલ(મોન્ટુની બિટ્ટુ), સોનિયા શાહ(ચીલઝડપ), દિક્ષા જોશી(ધુનકી), ઝીનલ બેલાની(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રીનલ ઓબેરોય(સાજન પ્રીતની જગમાં થશે જીત)ને નોમિનેશન્સ મળ્યાં હતાં.

શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ધર્મેશ મહેતા(ચીલઝડપ), ડૉ. વિક્રમ પંચાલ-શૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), નીરવ બારોટ(હવે થશે રે બાપ રે બાપ), અનીશ શાહ(ધુનકી), હિરેન જાદવાની(તારી મુસ્કુરાહટ), જયંત ગીલાટર(ગુજરાત 11) અને વિજયગીરી બાવા(મોન્ટુની બિટ્ટુ) નોમિનેટ થયા છે.

આ સિવાય મુંબઈનાં નાટકો, ગુજરાતનાં નાટકો અને ટેલિવિઝન સિરિયલ્સ માટે પણ તમામ કેટેગરીઝમાં નોમિનેશન્સની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી. સ્ક્રીન અને ટીવીના તજજ્ઞો તુષાર વ્યાસ, કાર્તિકેય ભટ્ટ, શ્રીનિવાસ પાત્રો, ચીકા ખરસાણી, અતુલ બ્રહ્મભટ્ટ વગેરેએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. નિર્ણાયકોએ જણાવ્યું હતું કે આ વર્ષે 56 ગુજરાતી ફિલ્મો આવી, જેમાંની મોટાભાગની સારી ફિલ્મો આ સ્પર્ધામાં સામેલ છે. આપણી ફિલ્મોનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે ને આનંદ પમાડે એવું છે. ગીતલેખન, કોસ્ચ્યુમ ડિઝાઈન અને સ્ક્રીનપ્લેમાં આપણે હજી વધારે મહેનત કરીએ તો સોનામાં સુગંધ ભળે.

‘હેલ્લારો’ ફિલ્મ અને ‘સફરજન’ નાટકને આ વર્ષે ટ્રાન્સમિડિયાના સ્પેશિયલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ટ્રાન્સમિડિયા સ્પેશિયલ એવોર્ડઝમાં આ વર્ષે સંગીતબેલડીનો શ્રી મહેશ-નરેશ એવોર્ડ કેદાર-ભાર્ગવને, સ્વ હેમુ ગઢવી એવોર્ડ પ્રફુલ્લ દવેને, સ્વ ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ આનંદ પડિતને, જૈનરત્ન એવોર્ડ કમલકુમાર સચેતીને, લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મિનળ પટેલ અને ફિરોઝ ઈરાનીને જાહેર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ઈસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક, જાણીતા અભિનેતા નરેશ કનોડિયા, ધારાસભ્ય ને અભિનેતા હિતુ કનોડિયા વગેરે જેવા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ટ્રાન્સમિડિયાના એમ.ડી. જસ્મીન શાહને સતત 19 વરસ આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

‘ચિત્રલેખા’ સાપ્તાહિક આ આયોજનનું ‘મેગેઝિન પાર્ટનર’ છે.

અભિલાષ ઘોડાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સમાપન નજીક નરેશ કનોડિયાએ એમની લોકપ્રિય શૈલીમાં ‘જાગ રે માલણ જાગ’ ગીત સંભળાવી શ્રોતાઓને ખુશહાલ કર્યા હતા.













અહેવાલઃ સુનીલ મેવાડા

તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ