ભુજ: વિદ્યાર્થીનીઓ સાથે આવું અણછાજતું વર્તન કેમ?

અમદાવાદ: ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને છાત્રાઓ સાથે શારિરીક પરિક્ષણની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ રીતા રાનીંગા, કોઓર્ડિનેટર અનીતા ચૌહાણ, સુપરવાઇઝર રમીલાબેન અને પ્યુન નયનાબેન પર યૌન ઉત્પીડન, વસૂલી અને ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં મહિલા આયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ આપવાની માંગ કરતાં એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને ચાર જણાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થીનીઓ અને અધિકારીઓએ ખાતરી કરી છે કે, સંસ્થા દ્વારા એક ભેદભાવપૂર્ણ પ્રથાનું પાલન કરવામાં આવતું હતુ, જેમાં જે છોકરીઓ માસિક ધર્મમાં હોય તેમને અલગથી રાખવામાં આવતી હતી. પણ આ વખતે તો હદ જ વટાવી દીધી આ છાત્રાઓને કપડા ઉતારવા મજબૂર કરવામાં આવી.

આ ચકચારી ઘટનાને લઇને મહિલા આયોગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવાની માંગ કરતાં શુક્રવારે સવારે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ મહિલા કોલેજમાં પહોંચી ગયો હતો. ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ એક ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી ચાર મહિલાઓ સામે આઇપીસી કલમ 384, 506, 355, 104 અને 114 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ મહિલા પીએસઆઈએ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે. તેમજ એવી ધમકી પણ આપવામાં આવે છે કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે. ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરીશું નહીં તેવું લખાવી લીધું હતું.

કોલેજ પ્રશાસને આ કાર્યવાહીને યોગ્ય ગણાવતા કહ્યું કે, વિદ્યાર્થીનીઓએ તેમના માસિક ધર્મ દરમ્યાન કોલેજના આ નિયમોનું પાલન કરવું પડે છે. થોડા સપ્તાહ પહેલા જ વિદ્યાર્થીનીઓને કથિત રીતે છાત્રાવાસ દરમ્યાન બનાવવામાં આવેલા રજિસ્ટરમાં તેમના માસિક ધર્મ ચક્રની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું.

એક વિદ્યાર્થીનીએ મીડિયાને જણાવ્યું કે, હોસ્ટેલમાં એક અલગથી રજિસ્ટર છે જેમાં દરેક છોકરીએ તેમના પીરિયડ શરુ થયા બાદ તેમનું નામ લખાવવાનું રહે છે. ત્યારપછી એ વિદ્યાર્થીનીને તેમનો રૂમ છોડીને બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઓછી લાઈટ વાળા રૂમમાં અલગથી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન તેમને બીજા રૂમ કે ડાઈનિંગ હોલ કે સંસ્થામાં પ્રાર્થનાઓમાં ભાગ લેવાની મંજૂરી નથી હોતી. અલગ વાસણમાં ભોજન પણ પિરસવામાં આવે છે અને તેમના લોબીમાં બેસીને જમવું પડે છે.

મહત્વનું છે કે, આ શર્મજનક ઘટના મુદ્દે કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. જો આ પ્રકરણમાં અલગ તટસ્થ તપાસ સમિતિની રચના કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવનાર હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહિલા કોંગ્રેસ પ્રભારી કલ્પનાબેન જોષીએ જણાવ્યું હતું.