અમદાવાદઃ રાજ્ય સરકારે વર્ષ ર૦૧૯ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડસની જાહેરાત કરી છે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે “હેલ્લારો” તેમ જ હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરવામાં આવ્યા છે. ‘ચાલ જીવી લઇએ’ ફિલ્મના સિદ્ધાર્થ રાંદેરિયાને શ્રેષ્ઠ અભિનેતા અને આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરવામાં આવ્યાં છે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી ચલચિત્રોના વિજેતા થયેલા શ્રેષ્ઠ કલાકાર -કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.
રાજ્ય સરકારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ -૨૦૧૮ અમલમાં મૂકી છે. આ નીતિ અંતર્ગત ગુજરાતી ફિલ્મોના કલાકાર – કસબીઓને વિવિધ કેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે.
રાજ્ય સરકારે વર્ષ 2019 માટે ગઈ કાલે સાંજે એવોર્ડની જાહેરાત કરી હતી, જેમાં કુલ 38 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દરેક એવોર્ડમાં રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.
‘હેલ્લારો’ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
હેલ્લારો ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જેમાં અભિષેક શાહ- ડિરેક્ટરસ સિનેમેટોગ્રાફર, એડિટરસ ડાયલોગ્સ મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ, કોરિયોગ્રાફર્સ, પ્લેબેક સિંગર્સ, સાઉન્ડ ડિઝાઇનર, રિ-રેકોર્ડિસ્ટ અને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ કલાકારોને મળ્યા હતા. આ ફિલ્મ મહિલા સશક્તિકરણની બેસ્ટ ફિલ્મ હતી.
બેસ્ટ એક્ટર- સિદ્ધાર્થ રાંદેરિયા
‘ચાલ જીવી લઈએ’ ફિલ્મના એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે આ જ ફિલ્મની આરોહી પટેલને બેસ્ટ એક્ટ્રેસિસનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ તરીકે ઐશ્વર્યા મજમુદારને મળ્યો હતો. વર્ષ -૨૦૧૮ દરમિયાન સિનેમાગૃહમાં પ્રદર્શિત થયેલી ફિલ્મોમાંથી ઓવોર્ડની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી મગાવવામાં આવી હતી. એવોર્ડ પસંદગી માટે રચાયેલી ફિલ્મ પરીક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજ્ય સરકાર દ્વારા એવોર્ડસ અને રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.