અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે રાજ્યની આંગણવાડીની બહેનો માટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમ જ તમામને ગ્રેચ્યુઇટીના લાભ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતાં કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતાં ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ICDSને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા તેમ જ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું.
કોર્ટે જણાવ્યું હતું કે વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં, પણ સંસ્થા ગણવી પડશે. જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઇટી ફરજિયાત ચૂકવવી પડશે. આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટે નોકરિયાત ગણવામાં આવ્યા છે. અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણવામાં આવે વધારામાં સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું કે, ICDSને પ્રોજેક્ટ નહીં, પરંતુ સંસ્થા ગણાવી.
વર્ષ 2022માં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતાં આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો.