દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સના મુકેશ અંબાણીના નાના પુત્ર અને પ્રાણી પ્રેમી અનંત અંબાણી ધાર્મિક હોવાનું જગ જાહેર છે. અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
Z પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પુરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. બીજા દિવસે ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને મિત્રો જોડાયા છે. અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે.
જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે. અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.
