રાજ્યના પોલીસ વડાએ ગુનેગારોની યાદી બનાવવાનો હુકમ કર્યો, જેના પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં 113 અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ પોલીસે PGVCLની ટીમ સાથે મળીને આવા તત્ત્વોના ઘરે પહોંચીને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યા અને દંડની વસૂલાત પણ કરી.
SP સંજય ખરાતના નેતૃત્વમાં પોલીસે અમરેલીના ખાંભા, કોટડા, નાની ધારી અને મોટા બારમણ જેવા વિસ્તારોમાં ગુનેગારોના ઘરો પર દરોડા પાડ્યા. આ દરમિયાન 6 શખ્સો સામે ગેરકાયદે વીજ જોડાણના ગુના નોંધાયા, તેમના કનેક્શન કાપવામાં આવ્યા અને કાયદેસર પગલાં લેવાયા. ઉપરાંત, વીજ વિભાગે આવા તત્ત્વોને કુલ 4.75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ગભરાટ ફેલાયો છે. અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા શહેરોમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું છે. જામનગરમાં પોલીસ અને એસ્ટેટ વિભાગે કાલાવાડ નાકા પાસેના ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કર્યું, અને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરી થશે. વડોદરામાં પોલીસે બીજા દિવસે પણ અભિયાન ચાલુ રાખ્યું, જેમાં 2000થી વધુ લોકોની તપાસ કરાઈ. આ દરમિયાન 21 ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા, 109 વાહનો ડિટેઈન થયા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા સંબંધે અડધો ડઝન કેસ નોંધાયા, અને તેના ગેરકાયદે કાચા મકાન પર બુલડોઝર ફેરવાયું.
રાજ્યભરમાં અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 સહિત કુલ 59 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી થઈ. 10 શખ્સોને હદપાર કરાયા, 724ની અટકાયત થઈ, 16 ગેરકાયદે મકાનો તોડી પાડ્યા, અને 81 ગેરકાયદે વીજ જોડાણો કાપ્યા. આગામી દિવસોમાં 100 PASA, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 ડિમોલિશન અને 225 વીજ જોડાણો દૂર કરવાનું આયોજન છે. રાજ્ય પોલીસ વડાના આદેશ પછી 7612 ગુનેગારોની યાદી તૈયાર થઈ છે, જેમાં 3264 બુટલેગરો, 2149 શારીરિક ગુના કરનારા, 958 મિલકત સંબંધી ગુનાઓ કરનારા, 516 જુગારીઓ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ બધા પર નજર રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ થશે.
