ગાંધીનગર: રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોને ઉમેદવારી નોંધાવવા માટેનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે 18 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અમિત શાહે પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેમણે વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જઈ નામાંકન નોંધાવ્યું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાત મુલાકાતે છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં તેમણે 6 મેગા રોડ શૉનું આયોજન કર્યું. વેજલપુર વિસ્તારમાં તેમણે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, “ફોર્મ ભરતા પહેલાં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ભવ્ય રોડ શૉ માટે તમામ કાર્યકર્તાઓનો આભારી છું. સાતમી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26 કમળ ખીલવવાના છે. ગુજરાતની 26માંથી 26 બેઠકોનો નરેન્દ્ર મોદીને આશીર્વાદ મળવાનો છે. સાત તારીખે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખવાના છે.”
આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં કેન્દ્રય ગૃહ મંત્રી અને ભાજપના ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ફોર્મ ભર્યુ. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું, “મારા માટે આ ગૌરવની વાત છે. આ બેઠક પર PM મોદી પોતે મતદાતા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકારે ઘણા કાર્યો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી PM મોદીને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. મોદીજીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યુ છે. મોદીજીને ત્રીજી વખત PM બનાવવા દેશની જનતા ઉત્સુક છે.”
ફોર્મ ભરતા સમયે અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
