અંબાજીઃ ગબ્બરગઢ પર મધપૂડા કાઢવાની કામગીરી

0
2137

અંબાજી- અંબાજીના ગબ્બરગઢ પર મા અંબાના દર્શન અને રોપવે બે દિવસ બંધ રખાયાં છે. ગબ્બરગઢ પર મોટાપાયે મધપૂડા જામ્યા છે, તેને આજે બુધવારથી દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, અને ગુરુવારે પણ હજી કેટલાક મધપૂડા દૂર કરાશે. ત્યાર બાદ શુક્રવારથી ગબ્બર પર જઈને મા અંબાના દર્શન કરી શકાશે. હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તેમા પણ યાત્રાધામ અંબાજીના ગબ્બર ગઢની કોતરોમાં અનેક ઘણા મધપૂડા મધમાખીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધુ પડતા પથ્થરો વધુ ગરમ બનતા મધમાખીઓ ઉડી યાત્રિકોને ડંખ મારે છે, અને ડંખ મારવાના બનેલા કિસ્સાઓને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટે તાકીદે ગબ્બરની કોતરોમાં રહેલા 20થી 25 જેટલા મોટા મધપૂડા દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં સતત બે દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયાને લઈ અંબાજીના ગબ્બરગઢ ઉપર બે દિવસ સુધી દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે.ગબ્બરમાં રોપ વેને પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે ગબ્બર પર મધમાખીઓના મધપૂડા દૂર કરવાની કામગીરી ઠાકોર સમાજના 20 જેટલા પૂજારીઓ દ્વારા એક ધાર્મિકવિધિ કર્યા બાદ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી યાત્રિકો ગબ્બર ઉપર ચઢી જતાં કામગીરી મોડા પડતાં આવતીકાલે પણ આ કામગીરી ચાલુ રહે તેવા શક્યતા જોવા મળી રહી છે. અહેવાલ અને તસ્વીર- ચિરાગ અગ્રવાલ