ગાંધીનગરમાં 1600 ડ્રોન દ્વારા સર્જાયો અદભુત નજારો

અમદાવાદ: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને પડોશના ધમધમતા શહેર અમદાવાદમાં સંરક્ષણ વિભાગના ડિફેન્સ એક્સ્પો 2022ને કારણે ભારે આકર્ષણ ઉભું થયું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ તથા અન્ય સુરક્ષાદળોનાં જવાનો આકાશમાં અને જળમાં દિલધડક કરતબ બતાવી રહ્યા છે.

સંરક્ષણ ક્ષેત્રના વિવિધ દળોના જવાનો અને તેમના વાહનોની અવરજવરથી રહેવાસીઓમાં ભારે કુતુહલ સર્જાયું છે.

ગાંધીનગરમાં હેલિપેડ પાસેના પ્રદર્શનમાં પણ મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે.

સૈન્યની જુદી જુદી પાંખના અધિકારીઓ અને વિશિષ્ટ વાહનો પાટનગર ગાંધીનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ગાંધીનગરના આકાશમાં અનોખો ‘ડ્રોન શો’ પણ કરવામાં આવ્યો હતો.

ડિફેન્સ એક્સ્પોના ભાગરૂપે યોજાયેલા ‘ડ્રોન શો’ માં 1600 ડ્રોન આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા.

અત્યાધુનિક ટેક્નોલોજીવાળા ડ્રોન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિમાન, પાણીમાં તરતું વહાણ જેવી રોશનીથી ઝળહળતી આકૃતિઓને આકાશમાં દર્શાવવામાં આવી હતી.

ડ્રોન દ્વારા બનાવાતી આકૃતિઓ નિહાળવા મહાત્મા મંદિર, ગાંધીનગર રેલવે સ્ટેશન, વાવોલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ગ્રાઉન્ડ જેવા અનેક સ્થળોએ અને માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]