મેકમાઈટ્રિપ, ઓયો, ગોઈબીબોને ફટકારાયો કરોડો રૂપિયાનો દંડ

નવી દિલ્હીઃ ઉદ્યોગોમાં તંદુરસ્ત પ્રતિસ્પર્ધા જળવાઈ રહે તે માટેની સ્થિતિ પર દેખરેખ રાખતા રાષ્ટ્રીય પંચ – કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ભારતમાં આ સંદર્ભમાં લાગુ કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હોટેલ સેવાઓ પૂરી પાડતી ઓયો (ઓરેવલ સ્ટેઝ લિમિટેડ) કંપની તથા ઓનલાઈન પ્રવાસ સેવાઓ પૂરી પાડતી બે કંપની – મેકમાઈટ્રિપ અને ગોઈબીબોને દંડ ફટકાર્યો છે. મેકમાઈટ્રિપ અને ગોઈબીબોને રૂ. 223.48 કરોડનો અને ઓયોને રૂ. 168.88 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોમ્પીટિશન કમિશને મેકમાઈટ્રિપ અને ગોઈબીબો કંપનીઓને નાણાકીય દંડ ફટકારવા ઉપરાંત અમુક વર્તણૂક પ્રતિબંધો પણ લાદ્યા છે. પંચે બંનેને આદેશ આપ્યો છે કે તેઓ એમની માર્કેટ વર્તણૂંકને સુધારે, કારણ કે તેઓ પ્રતિસ્પર્ધા-વિરોધી પ્રવૃત્તિઓ કરી રહી છે. એવો આક્ષેપ કરાયો છે કે ઓયો કંપનીએ તેના પ્લેટફોર્મ પર મેકમાઈટ્રિપને પ્રાધાન્ય સુવિધા આપી હતી, જેને કારણે અન્ય કંપનીઓ માટે માર્કેટમાં પ્રવેશ અવરોધાઈ ગયો છે. મેકમાઈટ્રિપ અને ગોઈબીબો પર આક્ષેપ છે કે તેમણે હોટેલ ભાગીદારો સાથેના એમના કરારોમાં કિંમત (રૂમ્સ તથા સેવાઓની કિંમત)માં સમાનતાનો નિયમ ઠોકી બેસાડ્યો હતો.