ટોક્યોઃ ‘ક્વાડ’ સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા. એ વખતે એમણે કહ્યું હતું કે ભારત અને જાપાન કુદરતી ભાગીદાર દેશો છે. ભારતની વિકાસયાત્રામાં જાપાને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાના દેશોએ હિંસા, ત્રાસવાદ, પર્યાવરણ પરિવર્તન જેવી પડકારરૂપ સમસ્યાઓથી માનવજાતને બચાવવા માટે ભગવાન બુદ્ધે દર્શાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ. જાપાન સાથે ભારતનો સંબંધ આધ્યાત્મિક પ્રકારનો છે.
મોદીએ આ પ્રસંગે એમની કર્મભૂમિ અમદાવાદને પણ યાદ કરી હતી અને શહેરમાં આવેલા જાપાનીઝ ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનો પણ એમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
એમણે કહ્યું કે ભારત અને જાપાનને વધારે નિકટ લાવવામાં ઝેન-કૈઝને મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.